ચોમાસાની ઋતુ દરમિયાન અને વરસાદ બાદ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળા સામે સાવચેતી રાખવા જુનાગઢ આરોગ્ય વિભાગની અપીલ
જુનાગઢ, 01 ઓગસ્ટ (હિ.સ.) : હાલમાં રાજ્યમાં ચોમાસાની ઋતુ અને તાજેતરમાં થયેલા વરસાદ બાદની પાણી ભરાવાની સ્થિતિને કારણે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ
ચોમાસાની ઋતુ દરમિયાન અને વરસાદ બાદ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળા સામે સાવચેતી રાખવા જુનાગઢ આરોગ્ય વિભાગની અપીલ


જુનાગઢ, 01 ઓગસ્ટ (હિ.સ.) : હાલમાં રાજ્યમાં ચોમાસાની ઋતુ અને તાજેતરમાં થયેલા વરસાદ બાદની પાણી ભરાવાની સ્થિતિને કારણે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ અર્થે ખાસ આરોગ્ય વિષયક માર્ગદર્શિકા (Health Advisory) જાહેર કરવામાં આવી છે.

વરસાદી મોસમમાં પીવાના પાણીના સ્ત્રોત દૂષિત થવાથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા તેમજ ટાઈફોઈડ, ઝાડા-ઉલટી, કમળો અને કોલેરા જેવા રોગોનું જોખમ રહેલું છે. આ રોગચાળાથી બચવા અને સ્વસ્થ રહેવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને નીચે મુજબની સાવચેતીઓ વર્તવા વિનંતી કરવામાં આવી છે:

• ૧. પીવાના પાણીની સુરક્ષા:

પીવાનું પાણી હંમેશા ઉકાળીને ઠંડુ પાડીને જ પીવું. ઉકાળવાની વ્યવસ્થા ન હોય તો આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવતી ક્લોરીનની ટીકડીઓ (Chlorine Tablets) નો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.

• ૨. તાજો અને ઢાંકેલો ખોરાક:

ખોરાક હંમેશા ઢાંકીને રાખવો. વાસી, ખુલ્લો કે માખીઓ બેસેલો ખોરાક ન ખાવો. બહારનો કે ખુલ્લામાં વેચાતો ખોરાક ખાવાનું ટાળવું તથા ભોજન કરતા પહેલા હાથ સાબુથી બરાબર ધોવા.

• ૩. મચ્છરની ઉત્પત્તિ અટકાવવી:

ઘર અને આસપાસના પરિસરમાં ક્યાંય પણ નકામા ટાયર, ડબ્બા, કૂંડા કે ધાબા પર પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા.

• ૪. રોગચાળાના લક્ષણો જણાય તો તુરંત સારવાર:

તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાય તો તુરંત જ તમારી નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) કે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.

૫. કોઈપણ તબીબી માર્ગદર્શન કે ઈમરજન્સી સેવા માટે નિઃશુલ્ક સંપર્ક કરો:

• આરોગ્ય સલાહ હેલ્પલાઈન: ૧૦૪

• ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા: ૧૦૮

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande