રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂ. 3850 કરોડના ચેક અર્પણનો સમારોહ ગાંધીનગરમાં સંપન્ન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે ચેક વિતરણ શહેરી વિકાસ મંત્રી - કૃષિ મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કર્યું ગાંધીનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે ચેક વિતરણ શહેરી વિકાસ મંત્રી - કૃષિ મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કર્યું

ગાંધીનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી નથી રહી. એટલું જ નહિં, લોકહિતના જે કામો થાય છે તે લોકો જુએ છે અને ઈઝ ઓફ લિવિંગને પરિણામે વધુ નવા કામો માટેની લોકોની અપેક્ષાઓ જાગી છે. મુખ્યમંત્રી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

તેમણે શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુવાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા અને નાયબ દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં આ ચેક વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરોને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી.

ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ.870 કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. 770 કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. 285 કરોડ, રાજકોટને રૂ. 232 કરોડ, ભાવનગરને રૂ. 105 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ.105 કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 65-65 કરોડ પ્રાપ્ત થયા છે.

આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી પ્રત્યેક શહેરને રૂ. 55-55 કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી.

નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે 'અ' વર્ગની કુલ 41 નગરપાલિકાઓને રૂ. 307.50 કરોડ તથા 'બ' વર્ગની 34 નગરપાલિકાઓને રૂ.221 કરોડ ફાળવવામાં આવ્યા છે. 'ક' વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 270 કરોડ અને 'ડ' વર્ગની 17 નગરપાલિકાઓને રૂ. 59.50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય. એટલું જ નહિં, જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે.

મુખ્યમંત્રીએ શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ આર.સી.સી.ના જ બને તેની તાકીદ કરતા એમ પણ કહ્યું કે, સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તે જરૂરી છે. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.

ગ્રીન કવર વધારીને પર્યાવરણ પ્રિય શહેરો બનાવવાની હિમાયત કરતા ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે.

તેમણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત નગરોથી લીડ લેવા પણ ચૂંટાયેલા પદાધિકારીઓને પ્રેરણા આપી હતી.

શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ આ અવસરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નાણાં વિના શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ આપણે આ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરોમાં વિકાસના કામો કરવા જોઈએ.

શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા સ્થાનિક કારીગર-કલાકારો માટે સ્વદેશી મેળા અને ઘન કચરાના નિકાલ માટે ઝોન વાઈઝ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના 'ગુણવત્તાયુક્ત કામ' અને 'સ્વચ્છ ગુજરાત'ના મિશનને વેગ આપીને ગુજરાત વિકાસની સાથે સાથે સ્વચ્છતામાં પણ દેશભરમાં પ્રથમ ક્રમે આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે “20 વર્ષ શહેરી વિકાસના” તથા “અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા” કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રેમ્યા મોહન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના CEO વીણા પટેલ, વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત કમિશનરઓ, નગરપાલિકાના પ્રમુખઓ અને ચીફ ઓફિસરઓ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande