સિહોરમાં 108ના કર્મચારીઓએ, લાખોની કીમતી સામગ્રી પરિવારને પરત કરી
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.)સિહોર ટાવર ચોક નજીક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધને, સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સાથે 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ તેમની પાસે રહેલી લાખો રૂપિયાની કીમતી ચીજવસ્તુઓ પરિવારજનોને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરુ
દાગીના મૂળ માલિકને કરતા 108 ના કર્મચારી


ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.)સિહોર ટાવર ચોક નજીક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધને, સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સાથે 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ તેમની પાસે રહેલી લાખો રૂપિયાની કીમતી ચીજવસ્તુઓ પરિવારજનોને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગઈકાલે સવારે 10:01 કલાકે સિહોર ટાવર ચોક નજીક એક્ટિવા અને ફોરવ્હીલર વચ્ચે અકસ્માત થયો હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ સિહોર CHCની IFT એમ્બ્યુલન્સમાં ફરજ પર રહેલા EMT ભરતસિંહ પરમાર અને પાઇલટ ધર્મેશભાઈ રાઠોડ, ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે CHC સિહોર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર માટે વૃદ્ધને હોસ્પિટલ લઈ જતી વખતે તેમની પાસે રહેલી કીમતી ચીજવસ્તુઓ 108ના કર્મચારીઓના ધ્યાનમાં આવી હતી. તેમાં આશરે છ સોનાની બંગડીઓ, ત્રણ સોનાની ચેન, બે સોનાની કાનની બુટ્ટી, મોબાઇલ ફોન અને જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થતો હતો.

કર્મચારીઓએ, દર્દીના સગાનો સંપર્ક કરી તેમને હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ આશરે રૂ. 28થી 30 લાખની કિંમતની સોનાની ચીજવસ્તુઓ સહિત તમામ કીમતી સામગ્રી પરિવારજનોને પરત કરવામાં આવી હતી.

અકસ્મતમાં ઘવાયેલા સ્વજનને સમયસર સારવાર મળવાની સાથે કીમતી સામગ્રી પણ સુરક્ષિત પરત મળતાં પરિવારજનોએ 108ના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી અને જિલ્લા એક્ઝિક્યુટિવ જયેશ જેઠવાએ, EMT ભરતસિંહ પરમાર તથા પાઇલટ ધર્મેશભાઈ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા. 108 કર્મચારીઓની પ્રામાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande