આજે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ લાગશે, યુરોપમાં દિવસે છવાઈ જશે અંધકાર
- યુરોપમાં 27 વર્ષ બાદ લાગશે સંપૂર્ણ સૂર્યગ્રહણ, રાત હોવાના કારણે ભારતમાં નહીં દેખાય ભોપાલ, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) અમાસના દિવસે અંતરિક્ષમાં એક અત્યંત દુર્લભ અને ઐતિહાસિક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આજે વર્ષનું સૌથી મોટું સંપૂર્ણ સૂર્યગ્રહણ
સુર્ય ગ્રહણ


- યુરોપમાં 27 વર્ષ બાદ લાગશે સંપૂર્ણ સૂર્યગ્રહણ, રાત હોવાના કારણે ભારતમાં નહીં દેખાય

ભોપાલ, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) અમાસના દિવસે અંતરિક્ષમાં એક અત્યંત દુર્લભ અને ઐતિહાસિક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આજે વર્ષનું સૌથી મોટું સંપૂર્ણ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે, જેના કારણે દુનિયાના અનેક ભાગોમાં દિવસે જ સંપૂર્ણ અંધકાર છવાઈ જશે.

મપ્રની નેશનલ એવોર્ડ પ્રાપ્ત વિજ્ઞાન પ્રસારક સારિકા ઘારૂએ જણાવ્યું કે, આ ઘટના ખાસ કરીને યુરોપ ખંડ માટે ઐતિહાસિક છે, કારણ કે ત્યાં પૂરા 27 વર્ષ બાદ કોઈ સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાવા જઈ રહ્યું છે. આ પહેલાં યુરોપે વર્ષ 1999માં આવું દૃશ્ય જોયું હતું.

તેમણે જણાવ્યું કે, ભારતીય સમયાનુસાર, આ ગ્રહણ 12 ઓગસ્ટની રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે અને મધરાત પસાર કરીને 13 ઓગસ્ટની 01:27 વાગ્યે સમાપ્ત થશે. કારણ કે ગ્રહણની સમગ્ર અવધિ ભારતમાં રાત્રિના સમયે રહેશે, જ્યારે સૂર્ય પહેલેથી જ ક્ષિતિજની નીચે છુપાયેલો હશે, તેથી આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાંય પણ દેખાશે નહીં.

તેમણે જણાવ્યું કે ગ્રહણ દરમિયાન ચંદ્રની વિશાળ છાયા પૃથ્વીના મોટા ભાગને આવરી લેશે. સંપૂર્ણ સૂર્યગ્રહણનો મુખ્ય માર્ગ ઉત્તર રશિયા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલમાંથી પસાર થશે, જ્યાં લોકો દિવસે રાતનો અનુભવ કરશે. ઉપરાંત, સમગ્ર યુરોપ, કેનેડા અને ઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ જોઈ શકાશે.

સારિકાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ગ્રહણ સાથે જોડાયેલા અંધવિશ્વાસોથી દૂર રહે અને તેને માત્ર એક સુંદર કુદરતી અને ખગોળીય ઘટના તરીકે જુએ. આ ગ્રહણને વિશ્વની લગભગ 12 ટકા વસ્તી સીધું જોઈ શકશે. જ્યારે ભારતમાં ખગોળપ્રેમીઓ આ અદ્ભુત દૃશ્યને નાસા અથવા અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓના ઑનલાઇન લાઇવ સ્ટ્રીમ મારફતે જોઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, આ ગ્રહણના 15 દિવસ બાદ 28 ઓગસ્ટે આંશિક ચંદ્રગ્રહણ થશે, પરંતુ તેને પણ ભારતમાં જોઈ શકાશે નહીં. સારિકાએ કહ્યું કે જો ભારતમાં તમે તેને તમારા શહેરમાં જોવા માંગો છો તો 2 ઓગસ્ટ 2027 સુધી રાહ જોવી પડશે, જ્યારે તે આંશિક સૂર્યગ્રહણના રૂપમાં દેખાઈ શકશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande