
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં પશુપાલકોને પશુપાલન ક્ષેત્રની પ્રાથમિક સેવાઓ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ થાય તેમજ ધોરણ-૧૦ પાસ બેરોજગાર યુવાનોને સ્વરોજગારીની નવી તક મળી રહે તે હેતુથી નિયત ગામોમાં ૧૦ મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવનાર છે.
આ મૈત્રી કેન્દ્રો સ્વરોજગારીના ધોરણે શરૂ કરવામાં આવશે. તેના માટે પશુપાલન ક્ષેત્રે રસ ધરાવતા ધોરણ-૧૦ પાસ બેરોજગાર યુવાનો પાસેથી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં સંબંધિત તાલુકાના પશુ દવાખાના ખાતે લેખિત અરજીઓ મંગાવવામાં આવી છે.
મૈત્રી કેન્દ્રો શરૂ થવાથી ગામડાઓમાં પશુપાલકોને પશુપાલન સંબંધિત પ્રાથમિક સેવાઓ માટે દૂરના સ્થળે જવાની જરૂરિયાત ઘટશે. સ્થાનિક સ્તરે સેવાઓ ઉપલબ્ધ થવાથી પશુપાલકોનો સમય અને ખર્ચ બચશે. સાથે સાથે પશુપાલન ક્ષેત્રમાં રસ ધરાવતા યુવાનોને પોતાની આવડત અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સ્વરોજગાર ઊભો કરવાની તક મળશે.
આ કેન્દ્રો સ્વરોજગારીના ધોરણે સંચાલિત થવાના હોવાથી તેમાં કોઈ પગાર કે વેતન મળવાપાત્ર રહેશે નહીં. ઉમેદવારોએ મૈત્રી કેન્દ્રના સંચાલન માટેની જરૂરી શરતો અને માર્ગદર્શિકાની માહિતી મેળવી અરજી કરવાની રહેશે.
મૈત્રી કેન્દ્રો માટે નિયત કરાયેલા ગામોની યાદી, અરજીપત્રક, પાત્રતા સહિતની જરૂરી વિગતો મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સંબંધિત તાલુકાના પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, અરજી કરવાની અંતિમ તારીખ તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ હોવાથી ઇચ્છુક યુવાનોને સમયમર્યાદામાં અરજી કરવાની અપીલ કરવામાં આવી છે.
નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા પશુપાલન ક્ષેત્રે રસ ધરાવતા ધોરણ-૧૦ પાસ યુવાનોને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA