ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં, વિદ્યાર્થીનીઓનો હોબાળો, ભોજન અને સુરક્ષા મુદ્દે રજૂઆત
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરની સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ સમસ્યાઓને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો. હોસ્ટેલમાં પાયાની સુવિધાઓનો અભાવ, સુરક્ષા વ્યવસ્થા અને ભોજનની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને વિદ્યાર્થીનીઓમાં રોષ
સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો


ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરની સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ સમસ્યાઓને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો. હોસ્ટેલમાં પાયાની સુવિધાઓનો અભાવ, સુરક્ષા વ્યવસ્થા અને ભોજનની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલના મેસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી અવારનવાર ઈયળો અને અન્ય જીવજંતુઓ મળી આવે છે. આ ઉપરાંત પીવાના ચોખ્ખા પાણીની સુવિધા, લિફ્ટ તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સમસ્યાઓ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભોજનમાં જીવજંતુઓ મળી આવવાના બનાવોને કારણે, વિદ્યાર્થીનીઓમાં આરોગ્યને લઈને પણ ચિંતા જોવા મળી હતી.

વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યાઓ અંગે અગાઉ તંત્ર અને રેક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, સમસ્યાઓનો કાયમી ઉકેલ ન આવતા વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

વિદ્યાર્થીનીઓના વિરોધની જાણ થતાં ABVPના કાર્યકરો પણ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓની રજૂઆતોને સમર્થન આપ્યું હતું. બનાવની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી.

પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ, મામલતદાર સહિતના અધિકારીઓએ મોડી રાત્રે હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે બેઠક યોજી હતી. અધિકારીઓએ રજૂઆતો સાંભળી સમસ્યાઓના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande