
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર લાગતા અણધાર્યા લાભ કર (વિન્ડફોલ) ટેક્સમાં ઘટાડો કર્યો છે. નવા દરો 14 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલી અધિસૂચના અનુસાર, પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ એટલે કે 'ઝીરો' કરી દેવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ અને જેટ ફ્યુઅલ પરની ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે. અધિસૂચના અનુસાર, ડીઝલની નિકાસ પર વિશેષ વધારાના ઉત્પાદન શુલ્કનો દર હવે 25.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
જ્યારે, વિમાન ઇંધણની નિકાસ પર એસએઇડી ઘટાડીને હવે અગાઉના 22 રૂપિયા પ્રતિ લિટરની સરખામણીમાં 19.5 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. આ સાથે, પેટ્રોલની નિકાસ પરની ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. અગાઉ તે 3.5 રૂપિયા પ્રતિ લિટર હતી.
નાણા મંત્રાલયે જારી કરેલી અધિસૂચનામાં જણાવ્યું કે, શુલ્કમાં સુધારા 14 ઓગસ્ટથી અમલમાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે, ઘરેલું વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના વર્તમાન શુલ્ક દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વર્તમાન સંકટ વચ્ચે ઇંધણની ઘરેલું ઉપલબ્ધતા વધારવા માટે અણધાર્યો લાભ કર લાદવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે સરકારે 27 માર્ચના રોજ ડીઝલ અને એટીએફ પર નિકાસ શુલ્ક લાદ્યો હતો. પેટ્રોલની નિકાસ પર પણ 16 મેથી આ શુલ્ક લાદવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દર પખવાડિયે તેની સમીક્ષા કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ