
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ, સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર રાહુલ ગાંધીના ધરણાં પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, દેશ ફરી એકવાર રાહુલ ગાંધીના સસ્તી અને હેડલાઇન્સ મેળવનારી રાજનીતિ જોઈ રહ્યો છે. તેમનું ધરણું ફક્ત મીડિયાના ધ્યાન માટે છે.
મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો કે, આ ધરણાં વિદ્યાર્થીઓના હિતમાં કે, ન્યાય માટે નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની રાજકીય હતાશા અને મીડિયામાં રહેવાના રાહુલના પ્રયાસનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 20 જુલાઈની ઘટનાની પહેલાથી જ નોંધ લીધી છે, અને ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની, પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ તપાસ કરી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલત આ મામલાની તપાસ કરી રહી છે ત્યારે, કેમેરા સામે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશનની બહાર ધરણાં ન્યાયતંત્રમાં અવિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર વિરોધ પ્રદર્શન ફક્ત હેડલાઇન્સમાં રહેવાનો પ્રયાસ છે.
નડ્ડાએ કહ્યું કે, જો આપણે આ સમગ્ર ઘટનાના સમય પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ હાલમાં વંદે માતરમ વિવાદ પર દેશવ્યાપી ટીકાનો સામનો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, જનતા રાષ્ટ્રગીતના અપમાન અને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા દ્વારા ત્રિરંગાના આકારમાં કેક કાપવા અંગે જવાબો માંગી રહી છે. તેમણે કહ્યું કે, રાહુલે આ વિવાદ પરથી ધ્યાન હટાવવા અને પોતાની રાષ્ટ્રવિરોધી છબી છુપાવવા માટે આ નવું રાજકીય નાટક રચ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક પરોપજીવી પાર્ટી છે. હવે કોંગ્રેસ યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો પણ નાશ કરવા માંગે છે. રાહુલે સમજવું જોઈએ કે, જનતા તેમની હિટ-એન્ડ-રન નીતિ જોઈ ચૂકી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ