
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, રાહુલ ગાંધી દ્વારા સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો કર્યા. ભાજપના મતે, જે મામલાને લઈને રાહુલ ગાંધી ધરણાં કરી રહ્યા છે, તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી દીધી છે. રાહુલ ગાંધી પૂર્વ પરવાનગી વિના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠા, જ્યારે પોલીસે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ મામલે એફઆઈઆર નોંધાઈ છે અને તપાસ ચાલુ છે.
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મામલે રચાયેલી સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમાં અન્ય બે ન્યાયાધીશો, સીબીઆઈ ના પૂર્વ નિર્દેશક અને એક અન્ય વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, ગોળી ચાલી હતી કે નહીં, તે પણ આ જ સમિતિની તપાસનો વિષય છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું, શું રાહુલ ગાંધીને કાયદાના શાસનનું કોઈ સન્માન નથી? શું તેઓ પોતાની મરજીથી ગમે ત્યાં જઈને ધરણાં કરશે અને અરાજકતા ફેલાવશે?
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે, રાહુલ ગાંધી પર અરાજકતાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓ પરવાનગી કે પૂર્વ સૂચના વિના પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠા છે. તેમણે કહ્યું કે, પોલીસે રાહુલ ગાંધીને જાણ કરી છે કે જે ઘટનાનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે, તેમાં પહેલાથી જ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ