
ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.)
પ્રભાસ પાટણ: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર પ્રેરિત ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી તેમજ STEM ક્વિઝ-4.0 અંતર્ગત શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિગતે માહિતી આપતા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયાએ જણાવ્યું હતું કે ભારતની અવકાશ યાત્રા દૂરંદેશી, દૃઢ નિશ્ચય અને વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતાની ગૌરવગાથા છે. તા. 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ દેશ તરીકે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વિક્રમ લેન્ડર દ્વારા પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું, જ્યાં તેણે વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધર્યા હતા. આ ઐતિહાસિક ઉતરાણ સ્થળને ‘શિવ શક્તિ પોઈન્ટ’ નામ આપવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિની સ્મૃતિમાં તેમજ અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી જતી સિદ્ધિઓની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા સમગ્ર ગુજરાતમાં ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSC) તેમજ તમામ જિલ્લાના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC) દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ઉજવણીના ભાગરૂપે તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા દરમિયાન રાજ્યભરના લોક વિજ્ઞાન કેન્દ્રો અને રીજીયોનલ સાયન્સ સેન્ટર્સના નેટવર્ક દ્વારા સ્પેસ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્વિઝમાં ભારતીય અવકાશ મિશન, ઈસરો, ચંદ્રયાન, ઉપગ્રહો, અવકાશ ટેક્નોલોજી, મૂળભૂત અવકાશ વિજ્ઞાન, ભારતની અવકાશ સિદ્ધિઓ તેમજ ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાન જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. આ ક્વિઝ ના ક્વિઝ માસ્ટર તરીકે પ્રતિકભાઇ ધારૈયા રહ્યા હતા.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પેસ ક્વિઝમાં રાજ્યના તમામ 34 જિલ્લાઓના વિદ્યાર્થીઓને ભારતની અવકાશ યાત્રા વિશે જાણકારી મેળવવા, પોતાના જ્ઞાનનું મૂલ્યાંકન કરવા અને અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવાની તક મળી હતી.
સ્પેસ ક્વિઝમાં ગીર સોમનાથ જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી 140 જેટલા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, દરેક જિલ્લામાંથી શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની નિઃશુલ્ક મુલાકાત માટે ફ્રી એન્ટ્રી પાસ આપવામાં આવ્યા હતા. જેના દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ સાયન્સ ગેલેરીઓ મારફતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતાની દુનિયાનો સમૃદ્ધ અનુભવ મેળવવાની તક મળશે.
STEM ક્વિઝ-4.0ના શ્રેષ્ઠ 24 વિદ્યાર્થીઓને સેમસંગ ટેબ્લેટથી સન્માન
આ સાથે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા આયોજિત STEM ક્વિઝ-4.0 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકામાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ 24 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે સેમસંગ ટેબ્લેટ એનાયત કરવામાં આવ્યા હતા.
GUJCOSTના ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહજી જાડેજા (IAS) તેમજ પ્રિન્સિપલ સેક્રેટરી ડો. પૂનમ ભાર્ગવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ક્વિઝમાં તાલુકા કક્ષાએથી પસંદ થયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માનસિંહભાઈ પરમાર (રાજ્યસભા સાંસદ), લોક વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શક શા. સ્વા. ભક્તિપ્રકાશદાસજી, સ્વામી રામસ્વરૂપદાસજી,સાયન્સ કમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી, જિલ્લા આઈ.પી. ઓફિસર પ્રશાંતભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ટેબ્લેટ, શિલ્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, અવકાશ સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ