સોમનાથ મહાદેવના દર્શને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પહોંચ્યા
ગીર સોમનાથ, 24 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પહોંચ્યા હતા. સોમનાથ ખાતે ભગવાન મહાદેવના દર્શન કરી નિતિન પટેલે ગુજરાત અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સાથે જ તેમણે સોમનાથ
સોમનાથ મહાદેવના દર્શને પૂર્વ નાયબ મુખ્યમંત્રી


ગીર સોમનાથ, 24 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પહોંચ્યા હતા. સોમનાથ ખાતે ભગવાન મહાદેવના દર્શન કરી નિતિન પટેલે ગુજરાત અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સાથે જ તેમણે સોમનાથમાં ચાલી રહેલા વિકાસકાર્યો, યુવાનોના આંદોલન, ગુજરાતની દારૂબંધી અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

શ્રાવણ માસનો બીજો સોમવાર સોમનાથમાં ભક્તિ અને આસ્થાનો માહોલ અને આ જ પવિત્ર દિવસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. નિતિન પટેલે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો ભક્તો સોમનાથ આવે છે અને ભગવાનના દર્શન કરી આનંદિત થાય છે. તેમણે સોમનાથમાં દર વર્ષે ભક્તો માટે વધતી જતી સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી. સાથે જ સોમનાથ કોરિડોરના વિકાસ માટે ખાનગી મિલકતો ખરીદવાની કામગીરી અંગે પણ તેમણે વાત કરી હતી અને આવનારા સમયમાં સોમનાથમાં વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી

સોમનાથ દર્શન બાદ નિતિન પટેલે યુવાનોના આંદોલન અને NEET પેપર લીકના મુદ્દે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે યુવાનો દ્વારા આંદોલન કરવું નવી વાત નથી, આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ અનેક આંદોલનો થયા છે. સરકાર અને નેતાગીરીએ યુવાનોને પ્રેમથી સમજાવીને આંદોલનનું નિરાકરણ લાવવું જોઈએ. દિલ્હીમાં થયેલા આંદોલનને પણ સરકાર દ્વારા વ્યવહારિક રીતે હલ કરવામાં આવ્યું હોવાનું નિતિન પટેલે જણાવ્યું હતું.

બીજી તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલા લઠ્ઠાકાંડ અને દારૂબંધીના મુદ્દે પણ નિતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. ભાવનગરમાં શંકાસ્પદ કેફી પીણું પીવાથી થયેલા મોતને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને મોટી માત્રામાં નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ કે નહીં તે અંગે નિતિન પટેલે સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાતની સામાજિક સલામતી અને યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે દારૂબંધી ચાલુ રહેવી જોઈએ.નિતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતે નાણામંત્રી રહ્યા ત્યારે પણ દારૂબંધી હળવી કરવામાં આવે તો સરકારને હજારો કરોડની એક્સાઈઝ આવક મળી શકે તેવી દરખાસ્તો આવતી હતી, પરંતુ આવક કરતાં ગુજરાતની સલામતી અને સામાજિક સમરસતાને મહત્વ આપવામાં આવ્યું. ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ અંગે તેમણે કહ્યું કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અનેક લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હજુ વધુ ધરપકડ થવાની શક્યતા છે.

સોમનાથ મહાદેવના દર્શન દરમિયાન નિતિન પટેલે ગુજરાતના ખેડૂતો માટે પણ સારા વરસાદની પ્રાર્થના કરી હતી. તેમણે ભગવાનને સૌને સુખી, સ્વસ્થ અને નિરોગી રાખવા તેમજ ગુજરાત અને ભારત વધુ સુખી, સંપન્ન અને શક્તિશાળી બને તેવી પ્રાર્થના કરી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande