

- AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ પર વિશેષ ભાર
ગાંધીનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીનગર ખાતે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે એક દિવસીય “ટેક સક્ષમ” વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ ઇન્ક. (NICSI) તથા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર-ગુજરાત (NIC)ના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપનો શુભારંભ કરાવતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સરકારની દરેક કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનવી જોઈએ. તેમણે ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનો પાયો નાખવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતા ટેકનોલોજી અપગ્રેડેશન પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જો આપણે સમય સાથે નવી ટેકનોલોજી નહીં અપનાવીએ તો જૂની સિસ્ટમ બિનઉપયોગી થઈ જશે.
તેમણે 'આઈ ખેડૂત' પોર્ટલની સફળતા અંગે વાત કરતા જણાવ્યું કે, ગત વર્ષે કમોસમી વરસાદના સમયે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજ તથા ટેકાના ભાવે ખરીદી મળીને કુલ રૂ. ૨૬,૫૦૦ કરોડ જેટલી રકમ કોઈપણ ભ્રષ્ટાચાર કે વચેટિયા વગર સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે ગુજરાત કૉમન એડમિશન સિસ્ટમ (GCAS)નો ઉલ્લેખ કર્યો હતો, જે વોઈસ કમાન્ડ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ દેશનું સફળ એડમિશન પોર્ટલ બન્યું છે.
મંત્રીએ અધિકારીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત શીખતા રહીને આજીવન વિદ્યાર્થી બનવા અને નાગરિકો માટે ડિજિટલ સેવાઓ વધુ સરળ બનાવવા હાકલ કરી હતી.
NICSIના મેનેજિંગ ડિરેક્ટર આલોક તિવારીએ જણાવ્યું હતું કે, 'ટેક સક્ષમ' એ રાષ્ટ્રીય કક્ષાનો ક્ષમતા વર્ધન કાર્યક્રમ છે. આ વર્કશોપ દ્વારા સહભાગીઓને AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, સરકારના વિવિધ વિભાગોને ભવિષ્યની ડિજિટલ જરૂરિયાતો માટે સજ્જ કરવા NICSI કટિબદ્ધ છે.
વર્કશોપમાં ઉપસ્થિત UIDAIના ડિરેક્ટર રાજેશ ગુપ્તાએ માહિતી આપી હતી કે, 'ડિજિટલ ઇન્ડિયા' કાર્યક્રમે ૧૧ વર્ષ પૂર્ણ કર્યા છે અને આજે ભારત વિશ્વમાં ડિજિટલ અર્થતંત્રમાં પાંચમા ક્રમે અને AI પર્ફોર્મન્સમાં ચોથા ક્રમે છે. તેમણે જણાવ્યું કે, UIDAI દરરોજ ૯ કરોડ જેટલા આધાર ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કરે છે. ગુજરાતની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં ફેસ ઓથેન્ટિકેશન લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. UIDAI અત્યારે ઓનલાઇન છેતરપિંડી રોકવા અને સુરક્ષા વધારવા માટે LLM મોડલ્સ અને AIનો ઉપયોગ કરી રહ્યું છે.
ડિજિટલ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનો મુખ્ય હેતુ સરકારી વિભાગોના અધિકારીઓ અને ટેક્નિકલ નિષ્ણાતોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે. ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યમાં આયોજિત આ વર્કશોપ થકી દેશભરના સહભાગીઓને સુરક્ષિત, નાગરિક કેન્દ્રિત અને સક્ષમ ડિજિટલ શાસન માટે સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં ગુજરાત NICના સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર પ્રમોદ કુમાર સિંઘ, એડિશનલ સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર અતુલ ખુંટી, IIM લખનૌના પ્રોફેસર અરૂણભા મુખોપાધ્યાય ઉપરાંત વિષય નિષ્ણાતો, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, NIC ગુજરાતના અધિકારીઓ અને વિવિધ વિભાગોના IT નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ