વરસાદની ખેંચ: કપાસમાં થ્રિપ્સનો પ્રકોપ, પાન સુકાવા લાગ્યા: સામતેર પંથકના ખેડૂતો ચિંતિત, મોંઘી દવાઓ પણ નિષ્ફળ
ગીર સોમનાથ 30 ઓગસ્ટ (હિ.સ.) સામતેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ખેંચ વચ્ચે કપાસના પાકમાં ''થ્રિપ્સ'' નામની જીવાતનો પ્રકોપ જોવા મળ્યો છે. આ જીવાતને કારણે ઊભા કપાસના પાન સુકાવા લાગ્યા છે, જેનાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મોંઘીદાટ જંતુનાશ
વરસાદની ખેંચ: કપાસમાં થ્રિપ્સનો પ્રકોપ, પાન સુકાવા લાગ્યા


ગીર સોમનાથ 30 ઓગસ્ટ (હિ.સ.) સામતેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ખેંચ વચ્ચે કપાસના પાકમાં 'થ્રિપ્સ' નામની જીવાતનો પ્રકોપ જોવા મળ્યો છે. આ જીવાતને કારણે ઊભા કપાસના પાન સુકાવા લાગ્યા છે, જેનાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મોંઘીદાટ જંતુનાશક દવાઓના છંટકાવ છતાં જીવાત કાબૂમાં ન આવતાં ખેડૂતો લાચાર સ્થિતિમાં મુકાયા છે.

ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતાં અને વરસાદ ખેંચાતાં સામતેર પંથકના ખેડૂતો પહેલેથી જ ચિંતિત હતા. તેમાં હવે કપાસના મુખ્ય પાકમાં 'થ્રિપ્સ' નામની ચૂસિયા પ્રકારની જીવાતનો ભારે આતંક ફેલાયો છે. આ રોગચાળાને કારણે લીલોછમ ઊભો કપાસના પાન સુકાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે વધુ એક આફત સમાન છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કપાસના પાકને બચાવવા માટે તેઓ બજારમાંથી મોંઘી જંતુનાશક દવાઓ લાવીને અનેક ડોઝ આપી ચૂક્યા છે. જોકે, હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં 'થ્રિપ્સ' જીવાત પર કોઈ સચોટ પરિણામ મળ્યું નથી. દવાઓ પાછળના આંધણથી ખેડૂતો આર્થિક બોજા તળે દબાઈ રહ્યા છે. કૃષિ નિષ્ણાતોના મતે, થ્રિપ્સ એ સૂકા અને ગરમ વાતાવરણમાં ખૂબ ઝડપથી ફેલાતી જીવાત છે. હાલમાં વરસાદ ખેંચાવાને કારણે આ જીવાતને ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ મળ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આ જીવાત પર કેમિકલ દવાઓ કરતાં કુદરતી પરિબળ વધુ અસરકારક સાબિત થાય છે. જો પંથકમાં એકાદ-બે સારા અને ધોધમાર વરસાદના રાઉન્ડ આવે તો કપાસના પાક પરથી આ જીવાત ધોવાઈ જશે અને પાકને નવું જીવન મળશે.

હાલ સામતેર પંથકના ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ માથે પડવાની ભીતિ વચ્ચે, પોતાના સુકાતા કપાસને બચાવવા માટે આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande