
સોમનાથ 30 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશેષ 'સૂર્ય દર્શન શૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રાચીન શાસ્ત્રો અનુસાર, પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં પ્રાચીન કાળમાં દ્વાદશ આદિત્ય એટલે કે ૧૨ સૂર્યમંદિરોનો ઐતિહાસિક અને તેજસ્વી વૈભવ દૈદીપ્યમાન હતો. આ ક્ષેત્ર સૂર્ય ઉપાસના અને વૈજ્ઞાનિક ચેતનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ જ કારણે આ પાવન ભૂમિને શાસ્ત્રોમાં પ્રભાસ નામ અપાયું છે—અર્થાત્ જ્યાં દિવ્ય પ્રકાશ સતત ઝળહળે છે.
આજના પાવન અવસરે, સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તેમજ વિવિધ પુષ્પો વડે સૂર્યની ભવ્ય પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ અલૌકિક શૃંગાર માટે ૧૦૦ કિલોથી વધુ ગુલાબ, ગલગોટા તેમજ અન્ય પવિત્ર સુગંધી પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ શૃંગાર માત્ર નયનરમ્ય જ નહીં, પરંતુ ગહન શાસ્ત્રીય મહત્વ પણ ધરાવે છે. અથર્વવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને તેમનું તેજ સમસ્ત સૃષ્ટિને પ્રાણશક્તિ પ્રદાન કરે છે. આ સમસ્ત તેજનો મૂળ સ્ત્રોત અને આધાર દેવાધિદેવ મહાદેવ છે.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શિવત્વ વિના જીવનનું સ્પંદન કે ચેતનાનો ઉદય શક્ય નથી. જે રીતે સૂર્ય બાહ્ય અંધકારને દૂર કરે છે, તે જ રીતે ભગવાન શિવ અંતરના અજ્ઞાન, અહંકાર અને માયાનો નાશ કરે છે.
આ શૃંગાર શિવ અને સૂર્ય વચ્ચેના શાશ્વત તત્ત્વનું પ્રતીક બની રહ્યો, જેણે પ્રભાસ ક્ષેત્રમાં દર્શનાર્થે પધારેલા હજારો ભાવિકોને દિવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ