દીવમાં ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર તાત્કાલિક ડાઈવર્ઝન
પાયલટની સતર્કતાથી 42 મુસાફરો સાથે વિમાનનું સુરત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ
ઈન્ડિગો


સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-દીવ એરપોર્ટ વિસ્તારમાં અચાનક ખરાબ હવામાન સર્જાતા નવી મુંબઈથી દીવ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે તાત્કાલિક ડાઈવર્ઝન કરવામાં આવ્યું હતું. પ્રતિકૂળ હવામાન વચ્ચે પાયલટની સતર્કતાથી વિમાન બપોરે 12:22 વાગ્યે સુરત એરપોર્ટના રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

નવી મુંબઈ એરપોર્ટ પરથી દીવ જવા રવાના થયેલી ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-7023 જ્યારે દીવ એરપોર્ટ નજીક પહોંચી ત્યારે ત્યાં ભારે પવન અને ઓછી દૃશ્યતા હોવાથી લેન્ડિંગ કરવું શક્ય બન્યું નહોતું.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધ્યો હતો. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફ્લાઇટને તાત્કાલિક સુરત એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરત એરપોર્ટ પર જરૂરી ક્લિયરન્સ મળ્યા બાદ ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં કુલ 42 મુસાફરો સવાર હતા અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. એરલાઈન્સના કર્મચારીઓ દ્વારા મુસાફરો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આગળની મુસાફરી અંગે યોગ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં પાયલટની સમયસૂચકતા અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande