કાલે બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વ શ્રેણીનો પ્રારંભ : સૌરાષ્ટ્રમાં મીની વેકેશન જેવો માહોલ
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હરવા-ફરવા અને ધાર્મિક પૂજનવિધિ માટે વિશેષ મહત્વ ધરાવતી જન્માષ્ટમી પર્વ શ્રેણીનો સોમવારથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આજે તા. 30 ઓગસ્ટના રવિવારની રજાથી શરૂ કરીને આગામી રવિવાર સુધી સમગ્ર જામનગ
શાળાઓમાં બાળકો


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હરવા-ફરવા અને ધાર્મિક પૂજનવિધિ માટે વિશેષ મહત્વ ધરાવતી જન્માષ્ટમી પર્વ શ્રેણીનો સોમવારથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આજે તા. 30 ઓગસ્ટના રવિવારની રજાથી શરૂ કરીને આગામી રવિવાર સુધી સમગ્ર જામનગર જિલ્લામાં ઉત્સવ અને રજાઓનો માહોલ જોવા મળશે.

આ દરમિયાન તબીબો, શિક્ષકો, નોકરિયાતો અને વ્યવસાયિકો તેમજ સાતમથી નોમ સુધી વેપારીઓ પણ પોતાની કામગીરી બંધ રાખી તહેવાર મનાવશે. જામનગર માર્કેટ યાર્ડમાં પણ તા. 7 સુધી કૃષિ જણસીઓની હરાજી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આ સાથે જ શાળાઓ અને કોલેજોમાં વેકેશનનો માહોલ સર્જાતા લોકોએ પ્રવાસ અને ફરવાના આયોજનો શરૂ કરી દીધા છે.

તહેવારોની શરૂઆત સોમવારે તા. 31 ઓગસ્ટે બોળચોથ (બહુલા ચતુર્થી) અને ફુલકાજલી વ્રતથી થશે, જેમાં મહિલાઓ ગૌમાતાનું પૂજન કરી ઉપવાસ રાખશે. તા. 1 સપ્ટેમ્બરે નાગપંચમીના દિવસે ઘરે-ઘરે નાગદેવતાનું પૂજન થશે. ત્યારબાદ બુધવારે રાંધણ છઠ્ઠ, ગુરુવારે તા. 3 સપ્ટેમ્બરે શીતળા સાતમ અને તા. 4 સપ્ટેમ્બરે પવિત્ર જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે.

જન્માષ્ટમી નિમિત્તે ગામેગામ શોભાયાત્રા અને મટકીફોડના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 5મીએ નંદ મહોત્સવ અને તા. 6ઠ્ઠીએ રવિવારની રજા હોવાથી આખું સપ્તાહ ઉત્સવમય બની રહેશે. જામનગર જિલ્લામાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા નાના-મોટા મેળાઓની મોસમ પણ જામશે. તહેવારોને પગલે બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. લોકો દ્વારા પૂજાપાની સામગ્રી, કરિયાણું, વાનગીઓ માટેનો સામાન તેમજ નવા વસ્ત્રોની ખરીદી નીકળતા વેપાર-ધંધામાં રોનક અને તેજીનો ચમકારો જોવા મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande