
નવસારી, 30 ઓગસ્ટ (હિ.સ.)-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી આગમન અને તેમના સ્વચ્છતાના આહ્વાનને માન આપીને સમગ્ર નવસારી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી વિશેષ ‘માઇક્રો સફાઈ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ચીખલી ક્વોરી એસોસિએશન તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ અભિયાન માટે ચીખલી ટ્રક ક્વોરી એસોસિએશન દ્વારા 50 જેસીબી, 8 લોડર, 22 હાઇવા અને 20 ટ્રેક્ટર સહિત અંદાજે 100 જેટલા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાત દિવસીય સફાઈ અભિયાન અંતર્ગત જિલ્લાના 6 તાલુકાના 389 ગામોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. જેસીબી, ટ્રેક્ટર, ટેમ્પો, ટિપર અને હાઇવા સહિતના સાધનોની મદદથી ગામના લોકો અને સફાઈ કર્મચારીઓને સાથે રાખીને ગામોના જાહેર તથા આસપાસના વિસ્તારોમાં માઇક્રો સફાઈ કરવામાં આવશે.
એકત્રિત થયેલા કચરાનો મહાનગરપાલિકા, નગરપાલિકા તથા નિયત કચરા નિકાલ સ્થળોએ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે અને ગામોને સ્વચ્છ તથા સુંદર બનાવવામાં આવશે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના પ્રબળ હિમાયતી છે. તેમને સ્વચ્છ અને સુંદર નવસારી સાથે આવકારવા માટે સમગ્ર જિલ્લો ઉત્સાહિત છે. વડાપ્રધાનશ્રીના આગમનને લઈને નવસારીની જનતા, વિવિધ સંસ્થાઓ, સફાઈ કર્મચારીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ અભિયાનથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાઈ રહી છે અને લોકો પણ સ્વયંભૂ રીતે આ મહાઅભિયાનમાં જોડાઈને સહયોગ આપી રહ્યા છે.
સફાઈ અભિયાનના શુભારંભ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલ પટેલ, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન, ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સફાઈ કર્મચારીઓ તથા સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરી અભિયાનને સફળ બનાવવાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે