જામનગરમાં ૧ સપ્ટેમ્બરથી શ્રાવણી લોકમેળાનો પ્રારંભ: રૂ. ૫ કરોડનો વિમો લેવાયો, તૈયારીઓ આખરી ઓપમાં
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડત
લોકમેળો


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી હાલ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મનપા દ્વારા મેદાનમાં વિવિધ સ્ટોલ માટે પ્લોટનું માર્કિંગ પૂર્ણ કરાયા બાદ સંચાલકો દ્વારા બ્રેક ડાન્સ, ટોરાટોરા, ફજેત ફાળકો અને નાવડી સહિતની ૨૧ નાની-મોટી મનોરંજક રાઇડો ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મેળાની આ તૈયારીઓનું મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા મુકેશભાઇ વરણવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મેળાની સુરક્ષા અને સુવિધાઓ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણીએ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે અને રાઇડ સંચાલકો માટે પરફોર્મન્સ લાયસન્સ મેળવવું ફરજિયાત રહેશે. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫ કરોડનો વીમો લેવામાં આવ્યો છે, જ્યારે રાઇડ સંચાલકોએ પણ વ્યક્તિગત વીમો લીધો છે. ગ્રાઉન્ડમાં લાઈટ, પાણી, કાદવ-કીચડ ન થાય તે માટેની તકેદારી તથા વીજળી ગુલ થાય તો જનરેટરની વ્યવસ્થા રાખવામાં આવશે. મેળામાં જનમેદનીને ધ્યાને રાખીને પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ખડેપગે તૈનાત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande