
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગરના જોગવડ પાટીયા નજીકથી તા. 03/05/2026 ના રોજ પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને પોણા ત્રણ લાખ રૂપિયાની મત્તાના હેરોઈન, મોર્ફીન અને કોડીન જેવા નશીલા પદાર્થો સાથે પંજાબના રહેવાસી એવા બે શખ્સો હરજીતસિંધ ગુરદિપસિંહ મજબી તથા અજીજ શાહ આસ્ક શાહને ઝડપી લીધા હતા.
પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ જથ્થામાં અન્ય એક પંજાબી શખ્સ કુલવિંદરસિંધ ગુરદિપસિંધ મજબીની સંડોવણી ખુલી હતી, જેથી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ વકીલ મારફતે જામનગરની સ્પેશ્યલ NDPS કોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.
જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી રોકાયેલા વકીલ પાર્થ બગડાએ ધારદાર રજૂઆતો કરતા જણાવ્યું હતું કે, કબ્જે કરવામાં આવેલ ડ્રગ્સનો જથ્થો ઇન્ટરમીડીયેટ ક્વોન્ટિટીમાં આવે છે, આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ઉપલબ્ધ નથી અને કેસની તપાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે. આવા સંજોગોમાં આરોપીઓને લાંબો સમય જેલમાં રાખવાથી તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ થાય છે.
અદાલતે બચાવ પક્ષના આ બળકટ તર્કો અને દલીલોને ધ્યાને લઈ ત્રણેય પંજાબી આરોપીઓને જામીન મુક્ત કરવાનો મહત્વનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે પ્રખ્યાત વકીલ કિરણકુમાર બી. બગડા, પાર્થ બગડા અને જયન ડી. ગણાત્રાએ રોકાઈને સફળ કાનૂની રજૂઆત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt