શાહીબાગમાં વેપારીના ઘરે ઘરઘાટી યુવક 18.48 લાખની ચોરી કરી ફરાર
અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ શહેરના વેપારીના ઘરે યુવક 18.48 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો. શાહીબાગમાં રહેતા વેપારીના ઘરે મૂળ રાજસ્થાનના યુવકે ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે રહીને 14.48 લાખના સોનાના દાગીના અને ચાર લાખ રૂપિયા રોકડા મળી 18.48 લાખ રૂપિ
શાહીબાગમાં વેપારીના ઘરે ઘરઘાટી યુવક 18.48 લાખની ચોરી કરી ફરાર


અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ શહેરના વેપારીના ઘરે યુવક 18.48 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો. શાહીબાગમાં રહેતા વેપારીના ઘરે મૂળ રાજસ્થાનના યુવકે ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે રહીને 14.48 લાખના સોનાના દાગીના અને ચાર લાખ રૂપિયા રોકડા મળી 18.48 લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયો છે.

ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે રહેનારા યુવકે ચોરી કરી થેલો લઈ ફરાર થતો હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વેપારીને ઘરની પાછળની જાળી અને તેના રૂમનો દરવાજો ખુલ્લો હોવાની જાણ થઈ હતી અને જે બાદ તેમણે ઘરઘાટીનો સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો અને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

શાહીબાગમાં નવીનચંદ્ર પાર્ક સોસાયટીમાં હિતેશ જૈન તેમના પરિવાર સાથે રહે છે અને ન્યુક્લોથ માર્કેટમાં ભવરલાલ ધનરા નામથી કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના ડુંગરપુરમાં અને હાલમાં સુરતના ઉમરગામ ખાતે રહેતો કમલેશ નામનો વ્યક્તિ છેલ્લા સવા મહિનાથી તેમના ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો અને મકાનના પાછળના ભાગે રૂમમાં રહેતો હતો. 29 ઓગસ્ટના રોજ હિતેશભાઈના પત્ની કલકત્તા કાપડની ખરીદી કરવા ગયા હતા અને પોતે દુકાને ગયા હતા.

બપોરના સમયે તેઓ દુકાને પહોંચ્યા હતા અને બાદમાં 3:30 વાગ્યાની આજુબાજુ તેમના ફોનમાં ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં જોતા ઘરની પાછળના ભાગે અને કમલેશના રૂમનો દરવાજો ખુલ્લો હતા. જેથી આ બાબતે કમલેશને ફોન કર્યો તો પરંતુ તેનો ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ તેમની પત્નીને ફોન કરી અને કહ્યું હતું કે કમલેશ ફોન ઉપાડતો નથી જેથી તેઓએ પણ ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો. પડોશમાં રહેતા વ્યક્તિને હિતેશભાઈએ ફોન કરી અને ઘરના દરવાજા બંધ કરવા કહ્યું હતું ને બાદમાં જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે જોયું તો ઘરના દરવાજા ખુલ્લા જ હતા.

ઘરમાં તપાસ કરતા રૂમમાં કબાટના દરવાજા અને ડ્રોઅર ખુલ્લું હતું. ધંધાના રોકડા રૂપિયા અને લગ્નમાં તેમ જ પ્રસંગોપાત ખરીદવામાં આવેલા સોનાના દાગીના ગાયબ હતા. સોનાના દાગીના અને રોકડા રૂપિયા 4 લાખની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. બાકી કોઈ ચીજ વસ્તુની ચોરી થઈ ન હતી. તેઓએ કમલેશના રૂમમાં જઈને તપાસ કરતા સિવિલ હોસ્પિટલની એક પુસ્તિકા આવી હતી જેમાં દર્દીનું નામ જયંતીલાલ અને રહેવાસી રાજસ્થાન જોધપુર લખેલું હતું.

18.48 લાખના દાગીના-રોકડની ચોરી કરી ફરાર કમલેશે અગાઉ જણાવ્યું હતું કે તેને પાઇલ્સની તકલીફ છે જેથી આ પુસ્તિકા મળી આવ્યા બાદ ધ્યાનમાં આવ્યું હતું તે કે તેનું અસલી નામ જયંતીલાલ હતું અને તેણે ઘરમાંથી ચોરી કરી હતી. ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે કામ કરનારા વ્યક્તિએ ચોરી કરતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande