
અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના કઠવાડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક મશીનરી ફેક્ટરીનું શટર તોડીને તસ્કરો ઓફિસમાં મુકેલા રોકડા 20 લાખ ભરેલી તિજોરી અને લોકર ચોરીને ફરાર થઈ ગયા છે.
ગત 25 ઓગસ્ટની રાત્રે બનેલી આ ઘટના અંગે ફેક્ટરીના માલિક નિકોલ રહેવાસી રવિ પંચાલે અજાણ્યા ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.નિકોલમાં રહેતા રવિ પંચાલ કઠવાડા જીઆઇડીસીમાં મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમણે છેલ્લા છ મહિના દરમિયાન ફેક્ટરીના ખર્ચ માટે બેંકમાંથી તબક્કાવાર રોકડા 20 લાખ ઉપાડી ઓફિસમાં આવેલી તિજોરી અને લોકરમાં રાખ્યા હતા.
ગત 25 ઓગસ્ટે માલિક ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા બાદ વહેલી સવારે સિક્યુરિટી ગાર્ડે શટર તૂટ્યું હોવાની જાણ કરી હતી. રવિભાઈ અને તેમના ભાગીદારોએ સ્થળ પર પહોંચી તપાસ કરતા ચોરો શટર અને ઓફિસનું લોક તોડી આખી તિજોરી તથા લોકર જ ઉઠાવી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ વેપારીની ફરિયાદના આધારે નિકોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ