
શિમલા, નવી દિલ્હી,05 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતા કુમારે સંસદમાં વધતા હોબાળા અને ઘટતી સાર્થક ચર્ચા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સંસદમાં સાર્થક ચર્ચા ઓછી અને હોબાળો વધુ જોવા મળે છે. તેમણે માંગ કરી કે, સંસદમાં કામ નહીં તો વેતન નહીં નો સિદ્ધાંત લાગુ થવો જોઈએ.
શાંતા કુમારે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, ઘણી વાર સંસદનું આખું સત્ર કોઈ પણ ચર્ચા વિના સમાપ્ત થઈ જાય છે, જ્યારે અનેક મહત્વપૂર્ણ વિધેયકો પણ પૂરતી ચર્ચા વિના પસાર થઈ જાય છે. તેમણે કહ્યું કે, દેશભક્તોના ત્યાગથી પ્રાપ્ત લોકતંત્ર, આજે નબળું પડતું દેખાઈ રહ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સંસદના સંચાલન પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જ્યારે સંસદમાં કામકાજ ઠપ રહે છે અને ફક્ત સૂત્રોચ્ચાર, ઘોંઘાટ અને હોબાળો થાય છે, ત્યારે પણ સાંસદોને વેતન અને ભથ્થાં મળતા રહે છે. તેમણે માંગ કરી કે, જે સાંસદોના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાય છે અને કામકાજ થઈ શકતું નથી, તેમને તે સમયગાળાનું વેતન અને ભથ્થું ન આપવું જોઈએ.
શાંતા કુમારે વ્યંગાત્મક ટિપ્પણી કરતા કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સંસદ ફક્ત બે પ્રસંગોએ સંપૂર્ણપણે શાંત દેખાય છે — પહેલો, કોઈ મોટા નેતાના નિધન પર શોક પ્રસ્તાવ દરમિયાન અને બીજો, જ્યારે સાંસદોના વેતન અને ભથ્થાંમાં વૃદ્ધિ સંબંધિત વિધેયક ગૃહમાં આવે છે. તેમણે કહ્યું કે, આ બે પ્રસંગોને છોડીને સંસદ ઘણી વાર ઘોંઘાટ સભા બનીને રહી જાય છે.
તેમણે દેશના તમામ રાજકીય પક્ષો અને નેતાઓને લોકતંત્રના વધતા અવમૂલ્યનને રોકવા તથા સંસદની ગરિમા અને લોકતાંત્રિક પરંપરાઓને, જાળવી રાખવા માટે ગંભીર પ્રયાસો કરવાની અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ શુક્લા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ