સેન્ટ લુઈસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ: પ્રજ્ઞાનાનંદ રેપિડ તબક્કામાં ટોચ પર, હવે બ્લિટ્ઝ મુકાબલાઓ પર નજર
સેન્ટ લુઈસ, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે, સેન્ટ લુઈસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટના રેપિડ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. નવ રાઉન્ડ પછી, તેમણે સંભવિત 18 માંથી 12 અંક મેળવ્ય
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ


સેન્ટ લુઈસ, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે, સેન્ટ લુઈસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટના રેપિડ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. નવ રાઉન્ડ પછી, તેમણે સંભવિત 18 માંથી 12 અંક મેળવ્યા અને આ સાથે આ વર્ષના અંતે યોજાનાર ગ્રાન્ડ ચેસ ટૂર (જીસીટી) ફાઇનલમાં સ્થાન મેળવવાની તેમની આશાઓને મજબૂત કરી.

વિશ્વ ચેમ્પિયનશિપ 2026 ની રેસમાંથી બહાર થઈ ગયેલા પ્રજ્ઞાનાનંદે રેપિડ તબક્કામાં સચોટ વ્યૂહરચના, ઉત્તમ તકનીક અને જીતવાના જુસ્સાનું શાનદાર પ્રદર્શન કર્યું. જોકે, તેમને અંતિમ (નવમા) રાઉન્ડમાં નેધરલેન્ડના ગ્રાન્ડમાસ્ટર જૉર્ડન વાન ફોરેસ્ટના હાથે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમ છતાં તેઓ એક અંકની સરસાઈ સાથે ટોચ પર રહ્યા.

ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવ 11 અંક સાથે બીજા સ્થાને છે. સિંદારોવ આ જ વર્ષે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના ખિતાબી મુકાબલામાં ભારતના ડી. ગુકેશને પડકારશે. અમેરિકાના વેસ્લી સો પણ 11 અંક સાથે ટોચના ખેલાડીઓની રેસમાં ટકી રહ્યા છે.

જોકે, ટુર્નામેન્ટનો નિર્ણય ફક્ત રેપિડ તબક્કાથી નહીં થાય. હવે ખેલાડીઓએ 18 બ્લિટ્ઝ મુકાબલા રમવાના છે, જ્યાં દરેક જીત પર એક અંક મળશે. કુલ 2 લાખ અમેરિકી ડૉલરની ઇનામી રકમવાળા આ ટુર્નામેન્ટના વિજેતાને 50 હજાર અમેરિકી ડૉલર મળશે.

જો પ્રજ્ઞાનાનંદ અંતિમ રાઉન્ડ જીતી જાત તો બ્લિટ્ઝ તબક્કામાં તેમની સરસાઈ વધુ મજબૂત થાત. રેપિડ તબક્કામાં તેમણે ચાર જીત, ચાર ડ્રો અને એક હાર સાથે 12 અંક મેળવ્યા.

રેપિડ તબક્કા પછી અંક તાલિકામાં લેવોન અરોનિયન, લેનિયર ડોમિંગેઝ પેરેઝ, અનિશ ગિરી અને વિન્સન્ટ કીમર નવ-નવ અંક સાથે સંયુક્ત ચોથા સ્થાને છે. આમાંથી ખાસ કરીને કીમર બ્લિટ્ઝ ચેસના મજબૂત ખેલાડી માનવામાં આવે છે અને ખિતાબી રેસને રોમાંચક બનાવી શકે છે.

આ 10 ખેલાડીઓની રાઉન્ડ-રોબિન સ્પર્ધા પછી પ્રતિષ્ઠિત સિંકફિલ્ડ કપનું આયોજન થશે, જે ક્લાસિકલ ફોર્મેટમાં રમાશે.

રેપિડ તબક્કા પછી ટોચના ખેલાડીઓ:

1. આર. પ્રજ્ઞાનાનંદ (ભારત) – 12 અંક

2. જાવોખિર સિંદારોવ (ઉઝબેકિસ્તાન) – 11 અંક

3. વેસ્લી સો (અમેરિકા) – 11 અંક

4. લેવોન અરોનિયન (અમેરિકા), લેનિયર ડોમિંગેઝ પેરેઝ (અમેરિકા), અનિશ ગિરી (નેધરલેન્ડ) અને વિન્સન્ટ કીમર (જર્મની) – 9-9 અંક.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande