




કોલેજના યુવાનોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું મહત્વ સરળ અને અસરકારક શૈલીમાં સમજાવ્યું હતું
ટ્રાફિકના તમામ નિયમોનું કડકપણે પાલન કરવાની સાથે અન્ય લોકોને પણ જાગૃત કરવાની કટિબદ્ધતા દર્શાવી
હેલ્મેટ ડ્રાઇવ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું માર્ગદર્શન આપી પ્રતિજ્ઞા લેવડાવાઈ
ભરૂચ 06 ઓગસ્ટ (હિ.સ.)
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોમાં શિસ્ત કેળવાય તે હેતુથી હાલમાં ભરૂચ પોલીસ દ્વારા વિશેષ 'હેલ્મેટ ડ્રાઇવ' ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે તારીખ 06/08/2026 ના રોજ સવારે 11:00 થી 12:00 વાગ્યા દરમિયાન ભરૂચ સીટી ટ્રાફિક સ્ક્વોડ દ્વારા શહેરની જાણીતી કે. જે. પોલિટેકનિક કોલેજ ખાતે એક વિશેષ ટ્રાફિક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ સીટી ટ્રાફિક સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. આર. ગોહિલ તથા તેમની ટીમ અને સ્ટાફના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોલેજના યુવાનોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું મહત્વ સરળ અને અસરકારક શૈલીમાં સમજાવ્યું હતું.
માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનાર દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની વિવિધ બાબતો વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.મોબાઇલનો ઉપયોગ ટાળવો જોઈએ.વાહન ચલાવતી વખતે કોલ પર વાત કરવી કે મેસેજ કરવા અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે, તેથી વાહન હંકારતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.
સીટ બેલ્ટ અને હેલ્મેટ વગર વાહન ચલાવવું ના જોઈએ.દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ અને ફોર-વ્હીલર ચાલકો માટે સીટ બેલ્ટ પહેરવો અત્યંત ફરજિયાત છે.ઓવર સ્પીડિંગથી વાહન ક્યારેય ના હંકારવું.મર્યાદિત અને સુરક્ષિત ઝડપે જ વાહન ચલાવવું, વધુ પડતી ઝડપથી દૂર રહેવું.
સૌએ લીધા માર્ગ સલામતીના શપથ .કાર્યક્રમના અંતે સેમિનારમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સૌએ પોતે ટ્રાફિકના તમામ નિયમોનું કડકપણે પાલન કરવાની સાથે અન્ય લોકોને પણ જાગૃત કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ