
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 650મી જયંતિ વર્ષની ઉજવણીને લઈને આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. 16 ઓગસ્ટે ગાંધીનગરથી પવિત્ર માટીનો કળશ પાટણ પહોંચશે, જ્યારે 17 ઓગસ્ટે તે તમામ તાલુકા, શહેર મંડળો અને ગ્રામ પંચાયતોમાં વિતરણ કરાશે.
19થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના દરેક ગામમાં માટી કળશનું સ્વાગત, પૂજન અને સમરસતા સંકલ્પ કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ 21 ઓગસ્ટે ગામના મંદિર ખાતે તુલસી ક્યારા અથવા પીપળા વૃક્ષ પાસે પવિત્ર માટીનું વિસર્જન કરવામાં આવશે.
આ આયોજન બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિત જિલ્લાના હોદ્દેદારો, મોરચાના આગેવાનો અને મંડળોના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉજવણીને ભવ્ય અને સફળ બનાવવા તેમજ સમરસતાનો સંદેશ ગામેગામ પહોંચાડવા કાર્યકરોને સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરવાની અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ