
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : સરસ્વતી તાલુકાના છોગાળાપુરા ગામ નજીક યુનુસભાઈ પટેલના તબેલા પાસે પતરા ઉતારવા જતાં ભીલવણથી નીકળેલો છકડો નેળીયાના રસ્તા પર અચાનક પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લાખડપ ગામના 22 વર્ષીય નિખીલ પ્રવિણભાઈ પટણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, છકડાના ચાલક મુકેશ રેવાભાઈ પરમારે વાહન બેદરકારીપૂર્વક અને ઝડપી હંકારી દેતાં સંતુલન ગુમાવ્યું હતું. છકડો પલટી જતાં નિખીલ વાહન નીચે દબાઈ ગયો હતો અને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં મૃતકના પિતા પ્રવિણ વિરચંદભાઈ પટણીની ફરિયાદના આધારે વાગડોદ પોલીસે ચાલક મુકેશભાઈ પરમાર (રહે. સાંપ્રા, તા. સરસ્વતી) સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક નિખીલ પાછળ બે વર્ષની પુત્રી અને ગર્ભવતી પત્ની છે. યુવાનના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ