




- શ્શ્રાવણ વદ સાતમથી દશમ સુધી લાલબજાર વિસ્તારમાં છડી ઉત્સવનો ધામધૂમથી પ્રારંભ
- સાડા ત્રણ દિવસ બાદ અખંડ જ્યોત આપોઆપ ઓલવાતાં છડી મહોત્સવની ભક્તિમય પૂર્ણાહૂતિ
ભરૂચ,01 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચમાં ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત શ્રદ્ધા સાથે ભોઈ પંચ તથા વાલ્મીકિ પંચ દ્વારા લાલબજાર વિસ્તારમાં ઘોઘારાવ મહારાજની સ્થાપના કરીને પ્રખ્યાત છડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રાવણ વદ સાતમથી શરૂ થઈ દશમ સુધી ચાલતા આ પવિત્ર મહોત્સવમાં ભક્તો અનોખી આસ્થા સાથે ઘોઘારાવ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાને રીઝવવા ભજન ર્કિતનો સાથે અન્નકુટ પણ ધરાવી વિશેષ આરતી કરવામાં આવે છે અને ગુરુવારે શ્રાવણ વદ સાતમથી શરૂ થનારા મેઘ મેળાને લઈ મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચબત્તી સર્કલ સુધીના માર્ગ ઉપર ખાણી પીણીના સ્ટોલ, રમકડા તથા ચકડોળ સહિતના સ્ટોલ માટે ભરૂચ સિટી સર્વે ધ્વારા ભરૂચ નગર પાલિકાના સભાખંડ ખાતે સ્ટોલની ફાળવણીની હરાજીની પ્રક્રિયા કરવામાં આવતા મંગળવારથી મેઘમેળાના સ્થળે વેપારીઓ સ્ટોલ લગાવી શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દશમ સુધી મેઘ મેળામાં રોજગારી મેળવવા જોતરાઈ જશે અને મેઘ મેળામાં 4 દિવસમાં જ હજારોનું માનવ મહેરામણ મેઘરાજાના દર્શન કરવા સાથે છડી ઉત્સવના દર્શન કરવા માટે પણ ભારે ભીડ જમાવનાર છે.
છડીની સ્થાપના અને ઉત્સવ પ્રારંભની તૈયારીઓ થઈ રહી છે.લોકપરંપરા મુજબ ભોઈ પંચ દ્વારા સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી છડી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે. આ જ પરંપરાને જાળવી રાખીને વાલ્મીકિ પંચ દ્વારા પણ લાલબજાર વિસ્તારમાં ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી ભવ્ય રીતે મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
વિશ્વમાં અને માત્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની દિવાસાના દિવસથી સ્થાપના કરી શ્રાવણ મહિનાની સાતમ સુધી મેઘરાજાને રંગરોગાન સાથે અવનવા વસ્ત્રોમાં શણગાર કરી સાતમથી દશમ સુધી મેઘ મેળા સાથે છડી ઉત્સવમાં ભકતોનું માનવ મહેરામણ ઉમટવા સાથે મેઘરાજાના સ્થાપના સ્થળથી 1 કિ.મી. સુધી મેઘ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે.
છપ્પનીયા દુકાળથી ભરૂચ જિલ્લામાં ભોઈ પંચ ધ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે છપ્પનીયા દુકાળ સમયે ભોઈ પંચના લોકોએ મેઘરાજાને રીઝવવા અને વરસાદના આગમન માટે મેઘરાજાની પ્રતિમા માટીમાંથી બનાવી અને તેમની સ્થાપના કરી ભકિતભાવ પૂર્વક પૂજા–અર્ચના કરી વરસાદ વરસે તે માટે આજીજી કરી અને જો વરસાદ નહીં વરસે તો મેઘરાજાની પ્રતિમાને ખંડિત કરવામાં આવશે અને શ્રાવણ માસમાં ધોધમાર વરસાદ વરસતાં અને નદી નાળાઓ ઉભરાઈ ઉઠતાં છપ્પનીયા દુકાળથી ભરૂચના ભોઈ પંચ ધ્વારા મોટા ભોઈવાડ ખાતે અષાઢી અમાસની રાત્રીએ નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી દિવાસાના દિવસે મૂર્તિ સંપન્ન કરી મેઘરાજાની સ્થાપના કરી ભકતો માટે દર્શન અર્થે મુકી શ્રાવણ વદ સાતમ સુધી રંગ રોગાન સાથે વિશેષ શણગાર કરવામાં આવે છે.
અનોખી શ્રદ્ધા અને વિધિ જોવા મળે છે .શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલતા આ ઉત્સવ દરમિયાન પૂજારીઓ તથા શ્રદ્ધાળુઓ દ્વારા છડીને શરીરના વિવિધ અંગો ઉપર ઝુલાવીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. ત્યારબાદ પૂજા-અર્ચના સાથે છડીને પરત પોતાના મૂળ સ્થાનક પર સ્થાપિત કરવામાં આવે છે.
અખંડ જ્યોત અને ઉત્સવની પૂર્ણાહૂતિ સમયે જ્યોત બુઝાય જાય છે.આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ અને ચમત્કાર એ છે કે સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવવામાં આવેલી અખંડ જ્યોત દશમની સંધ્યાકાળે આપોઆપ ઓલવાઈ જાય છે. આ અલૌકિક દ્રશ્યના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. જ્યોત ઓલવાતાં જ ઘોઘારાવ મહારાજ ભક્તોની વચ્ચેથી વિદાય લઈ રહ્યા હોય તેવા આભાસ સાથે છડી મહોત્સવની ભક્તિસભર માહોલમાં પૂર્ણાહૂતિ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ