
ભાવનગર,15 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગરની વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ચંદ્રિકા સોલંકીના અધ્યક્ષસ્થાને હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હિન્દી ભાષાના મહત્વ, ઉપયોગિતા અને વિદ્યાર્થી જીવનમાં તેની ભૂમિકા અંગે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા હિન્દી ભાષાના મહત્વ અંગે વક્તૃત્વ તેમજ કાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિવિધ પ્રસ્તુતિઓમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન હિન્દી ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા તથા દૈનિક જીવનમાં હિન્દીના ઉપયોગ અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
હિન્દી વિભાગના અધ્યાપક ડૉ. વૈશાલી પટોળીયાએ વિદ્યાર્થી જીવનમાં હિન્દી ભાષાના મહત્વ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રા. શીતલ ઉપાધ્યાયે હિન્દી ભાષાના મહત્વ અંગે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે હિન્દી ભાષાના જ્ઞાનથી વિદ્યાર્થીઓના અભ્યાસ અને અભિવ્યક્તિ કૌશલ્યને મળતા લાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર-5ની વિદ્યાર્થીનીઓ કંટારીયા મીરા તથા મકવાણા પૂજાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સેમેસ્ટર-5ની વિદ્યાર્થિની હરસોરા નીતાએ આભારવિધિ કરી હતી.
હિન્દી દિવસના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હિન્દી વિભાગની તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રા. શીતલ ઉપાધ્યાય સહિત અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA