
- બંને દેશો વચ્ચે યુદ્ધ જહાજોના સુરક્ષિત અંતર અને સંચાલનને લઈને પહેલેથી જ કરાર
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.). ઉત્તર અરબ સાગરમાં ભારતીય નૌકાદળના એક ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ અને એક પાકિસ્તાની જહાજ વચ્ચે ટક્કર થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દરિયાઈ મોરચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ મામલો એટલા માટે ગંભીર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં બંને દેશો વચ્ચે યુદ્ધ જહાજોના સુરક્ષિત અંતર અને સંચાલનને લઈને પહેલેથી જ કરાર છે. જોકે, સાર્વજનિક રીતે બંને જહાજોના નામ અને ટક્કરની ચોક્કસ લોકેશન (સ્થાન) જેવી તકનીકી માહિતી સામે આવી નથી, પરંતુ આ ઘટનાને ગંભીર ચૂક માનવામાં આવી રહી છે.
ભારતીય નૌકાદળનું ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ ઉત્તર અરબ સાગરમાં 15 સપ્ટેમ્બરની સાંજે નિયમિત દેખરેખ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાન નૌકાદળનું એક જહાજ તેજ ગતિથી ભારતીય યુદ્ધ જહાજની નજીક આવ્યું અને ટક્કર મારી. જોકે, આ ટક્કરમાં કોઈ મોટા નુકસાનની જાણ નથી, પરંતુ પાકિસ્તાની જહાજની આ દાવપેચને અસુરક્ષિત અને બિન-વ્યાવસાયિક માનવામાં આવી. બંને જહાજો વચ્ચે પૂરતું અંતર રહ્યું નહીં અને આખરે તેમની ટક્કર થઈ ગઈ. હાલમાં સાર્વજનિક રીતે બંને જહાજોના નામ અને ટક્કરની ચોક્કસ લોકેશન (સ્થાન) જેવી તકનીકી માહિતી સામે આવી નથી.
દરિયાની વચ્ચે બનેલી આ ઘટનાને એટલા માટે ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે ભારત અને પાકિસ્તાને એપ્રિલ 1991માં સૈન્ય ગતિવિધિઓ સંબંધિત ગેરસમજો અને દુર્ઘટનાઓને રોકવા માટે એક કરાર કર્યો હતો. તેના આર્ટિકલ 10માં બંને દેશોના નૌકાદળના જહાજો અને સબમરીનના આંતરરાષ્ટ્રીય જળસીમામાં સંચાલનને લઈને વિશેષ જોગવાઈઓ છે. આ અંતર્ગત બંને દેશોના નૌકાદળના જહાજોએ એકબીજાના ત્રણ નોટિકલ માઈલથી ઓછા નજીક ન આવવું જોઈએ, જેથી દુર્ઘટના ટાળી શકાય. ત્રણ નોટિકલ માઈલ લગભગ 5.56 કિલોમીટર બરાબર હોય છે.
આ જોગવાઈનો ઉલ્લેખ ભારત સરકારના જૂના સત્તાવાર રેકોર્ડમાં પણ મળે છે. તેથી, વર્તમાન ઘટનામાં ભારતનો વાંધો ફક્ત ટક્કર થવાને લઈને નથી, પરંતુ એ પણ છે કે પાકિસ્તાની જહાજે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં સુરક્ષિત સંચાલન માટેની દ્વિપક્ષીય વ્યવસ્થાનું પાલન કર્યું નથી. ભારત અને પાકિસ્તાનની નૌકાદળો વચ્ચે સમુદ્રમાં આ પ્રકારની તંગદિલીનો ઇતિહાસ જૂનો છે. વર્ષ 2011માં પણ INS દોગાવરી અને પાકિસ્તાનના PNS બાબર વચ્ચે અરબ સાગરના હાઈ સીઝ (ખુલ્લા સમુદ્ર) વિસ્તારમાં સંપર્કની ઘટના બની હતી. તે સમયે પણ બંને પક્ષોએ એકબીજા પર ખતરનાક દાવપેચના આરોપો લગાવ્યા હતા અને ભારતે આર્ટિકલ 10નો હવાલો આપતા પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ