
અગરતલા, નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.). ત્રિપુરા પોલીસ, આસામ રાઇફલ્સ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની સંયુક્ત ટીમે, ઉત્તર ત્રિપુરાના પાનીસાગર નાકા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા આશરે પાંચ લાખ યાબા ટેબ્લેટ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 40 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
પાનીસાગરના એસડીપીઓ કિશલય શિશોદિયાના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે આસામથી એક ટ્રક દ્વારા નશીલા પદાર્થોનો જથ્થો ત્રિપુરા લાવવામાં આવી રહ્યો છે. માહિતીના આધારે સંયુક્ત ટીમે આસામથી અગરતલા તરફ જઈ રહેલા ટાટા ટ્રકને પાનીસાગર નાકા પર રોકીને તલાશી લીધી.
કાર્યકારી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવેલી સઘન તલાશી દરમિયાન, ટ્રકની અંદર ખાસ બનાવેલા એક ગુપ્ત કેબિનનો પતો લાગ્યો. આ જ છુપાયેલા કક્ષમાં યાબા ટેબ્લેટ્સ રાખવામાં આવી હતી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. આ મામલે એનડીપીએસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ પ્રાથમિકી (એફઆઈઆર) નોંધાવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી ડો. માણિક સાહાએ પણ, સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યવાહીની જાણકારી શેર કરતા સુરક્ષા દળોના પ્રયાસની પ્રશંસા કરી. તેમણે તેને 'નશા મુક્ત ત્રિપુરા' અભિયાનની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી ગણાવી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ