
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી), 19 અને 20 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય' વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. વિજ્ઞાન ભવનમાં યોજાનારી પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
એનજીટીએ બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરિષદમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, આવાસન અને શહેરી કાર્ય તથા વિદ્યુત મંત્રી મનોહર લાલ, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના, એટર્ની જનરલ આર. વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.
આ પરિષદમાં ભારત ઉપરાંત 17 દેશોના ન્યાયાધીશો અને ન્યાયિક પ્રતિનિધિઓ ભાગ લેશે. પર્યાવરણ નિષ્ણાતો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો, જિલ્લા અદાલતોના ન્યાયાધીશો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને પર્યાવરણ સંબંધિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની પણ ભાગીદારી રહેશે.
પરિષદમાં પર્યાવરણ અને આબોહવા સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવશે. જુદા જુદા દેશોમાં પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવવામાં આવી રહેલી પદ્ધતિઓ, ન્યાયિક અનુભવો અને વૈજ્ઞાનિક જાણકારીને શેર કરવામાં આવશે.
તેનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંબંધિત નિયમો અને નીતિઓને લાગુ કરવામાં આવતી ખામીઓને ઓળખવી, સફળ ઉપાયોને શેર કરવા અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. પરિષદ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વિકાસ અને ન્યાય વચ્ચે બહેતર તાલમેલ સ્થાપિત કરવા પર પણ ચર્ચા થશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ