
જૂનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.) ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખરીફ પાકો મગફળી, મગ, અડદ તથા સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ખરીફ પાક મગફળી માટે રૂ.૭૫૧૭, મગ માટે રૂ.૮૭૮૦, અડદ માટે રૂ.૮૨૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૭૦૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરેલ છે.
ચણા માટે રૂ. ૫૮૭૫/- પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂ. ૬૨૦૦/- પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા.૧૦-૦૯-૨૦૨૬ થી તા.૦૯-૧૦-૨૦૨૬ (૩૦ દિવસ) દરમિયાન કરવામાં આવશે.
ખેડૂતો પોતાની ગ્રામ્ય કક્ષાના ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટીકેશન (L1 POS આધારિત બાયોમેટ્રિક મશીન – થંબ ઇમ્પ્રેશન) અથવા ફેસ ઓથેન્ટીકેશન દ્વારા VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. નોંધણી ભારત સરકારશ્રીના PM-AASHA Procurement Portal (https://esamridhi.da.goc.in) પર કરવામાં આવી રહી છે.
ટેકાના ભાવે ખેત જણસીના વેચાણ માટે નોંધણી કરતા પહેલા ફાર્મર રજીસ્ટ્રેશન (ખેડૂત નોંધણી) ફરજિયાત કરવામાં આવેલ છે. તેમજ ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવામાં આવનાર હોઇ, ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન બાકી હોય તો કરાવી લેવા અને તેમાં તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવો જરૂરી છે.
જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો સમયમર્યાદામાં નોંધણી કરાવી સરકારશ્રીના ટેકાના ભાવનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ