

- વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિચારશક્તિ, કલાત્મક અભિવ્યક્તિ અને વક્તૃત્વ કૌશલ્યના વિકાસ સાથે સેવા અને સામાજિક જવાબદારીની ભાવનાના સંવર્ધનનો પ્રયાસ.
રાજપીપલા, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ સેવાલક્ષી,શૈક્ષણિક અને જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તથાવક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ, વિચારશક્તિ તથા વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ
થાય તેમજ તેમનામાં સામાજિક જવાબદારી અને સેવા ભાવનાનો સંચાર થાય તે આ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ છે.
ચિત્ર સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાના વિચારો, કલ્પનાઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિને રંગો
અને ચિત્રોના માધ્યમથી રજૂ કરવાની તક મળી હતી. વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની
કલ્પનાશક્તિ અને વિચારસરણીને ચિત્રોમાં ઉતારી સર્જનાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં અવલોકનશક્તિ, કલ્પનાશક્તિ, સર્જનાત્મક વિચારસરણી અને કલાત્મક અભિવ્યક્તિ જેવા ગુણોના વિકાસમાં સહાયરૂપ બની રહી છે.
વક્તૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક અને
અસરકારક રીતે રજૂ કરવાની તક આપવામાં આવી હતી. આ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રયોગ,વિચાર રજૂઆત, તર્કશક્તિ, અભિવ્યક્તિ કૌશલ્ય તથા જાહેરમાં પોતાના વિચારો રજૂ કરવાની ક્ષમતાના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સેવા, સંવેદના તથા
સામાજિક જવાબદારી જેવા મૂલ્યોને પોતાની અભિવ્યક્તિમાં સ્થાન આપ્યું હતું.
જિલ્લાની વિવિધ શાળાઓમાં યોજાયેલી આ પ્રવૃત્તિઓમાં આચાર્યઓ, શિક્ષકઓ તથા
વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક સહભાગિતા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની ઉંમર અને શૈક્ષણિક કક્ષાને અનુરૂપ સ્પર્ધાઓનું આયોજન કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
‘સેવા સંકલ્પ અભિયાન’ માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં સેવા,
સંવેદના, જવાબદારી, સર્જનાત્મકતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના સંસ્કારોનું સિંચન કરતું સતત અભિયાન બને, તે દિશામાં નર્મદા જિલ્લાની શાળાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લાની તમામ શાળાઓમાં કાર્યક્રમો સુચારૂ રીતે યોજાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સક્રિય રીતે
સહભાગી બને તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જરૂરી માર્ગદર્શન, સંકલન અને આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ