
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી સાથે શ્રીજીની વિદાય આપવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. 16 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ત્રીજા દિવસે શહેરના બંને વિસર્જન કુંડ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં વિક્રમજનક 328 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ શરૂઆતના ત્રણ દિવસની અંદર બંને કુંડ મળીને કુલ 396 ગણેશજીની મૂર્તિઓનું ભાવુક માહોલમાં વિસર્જન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકાની સુવ્યવસ્થિત ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પાર પાડવામાં આવી રહી છે, જેનો લાભ બોહળી સંખ્યામાં ગણેશ ભક્તો લઈ રહ્યા છે.
મહાનગરપાલિકાના વિસર્જન અહેવાલ મુજબ ત્રીજા દિવસે ખંભાળિયા બાયપાસ ખાતે આવેલા વિસર્જન કુંડમાં સૌથી વધુ 274 મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. બીજા દિવસે આ કુંડમાં 51 મૂર્તિઓ વિસર્જિત થઈ હતી, જેથી ખંભાળિયા બાયપાસ કુંડમાં અત્યાર સુધીનો કુલ આંકડો 325 મૂર્તિઓએ પહોંચ્યો છે.
બીજી તરફ, સરદાર રિવેરા નજીકના વિસર્જન કુંડમાં ત્રીજા દિવસે 54 મૂર્તિઓની વિદાય થઈ હતી. આ કુંડમાં અગાઉ બીજા દિવસે 17 મૂર્તિઓનું વિસર્જન થયું હતું, જેથી ત્યાં અત્યાર સુધીમાં કુલ 71 મૂર્તિઓનું વિસર્જન નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે 15 સપ્ટેમ્બરના રોજ બીજા દિવસે બંને કુંડમાં મળીને કુલ 68 મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી, જેની સરખામણીએ ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
ગણેશ ભક્તો પોતાના ઘરમાં અને જાહેર પંડાલોમાં સ્થાપિત મૂર્તિઓને મનપા દ્વારા નિર્ધારિત કરાયેલા આ જ કુંડમાં લાવીને વિસર્જન કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પર્યાવરણપૂરક વ્યવસ્થાને કારણે જળ પ્રદૂષણ અટકાવવામાં મોટી સફળતા મળી રહી છે અને નાગરિકો પણ આ વ્યવસ્થાનો પૂરતો સહયોગ આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt