નખત્રાણામાં 90મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ : 105 દર્દીઓની આંખોની તપાસ, 20ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા લોહાણા મહાજનના સાંનિધ્યમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી 90મો નિઃશુલ્ક નેત્ર નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં કુલ 105 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દ
નખત્રાણા નેત્ર નિદાન કેમ્પનું આયોજન


નખત્રાણા નેત્ર નિદાન કેમ્પનું આયોજન


કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા લોહાણા મહાજનના સાંનિધ્યમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી 90મો નિઃશુલ્ક નેત્ર નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં કુલ 105 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવા તથા આંખના ટીપાં આપવામાં આવ્યા હતા, જ્યારે 20 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

કેમ્પનો પ્રારંભ દાતા શ્રીમતી રીનાબેન અમિતભાઈ પલણ, શ્રી અમિતભાઈ દિનેશભાઈ પલણ અને ધ્રુવકુમાર અમિતભાઈ પલણ સહિત સમાજના આગેવાનો, દાતાશ્રીઓ તથા રાજકોટથી આવેલા તબીબોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કેમ્પમાં કાયમી સહયોગ આપતા શ્રીમતી રીનાબેન અમિતભાઈ પલણ તથા ધ્રુવકુમારનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમએ જણાવ્યું હતું કે કેમ્પમાં 105 દર્દીઓની આંખોની તપાસ કરી દવા તથા ટીપાં આપવામાં આવ્યા છે અને 20 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. દર્દીઓ માટે ચા-પાણી તેમજ રાજકોટ જતાં દર્દીઓને ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલ ખાતે દર્દીઓને રહેવા, જમવા, ઓપરેશન, દવા અને ચશ્મા સહિતની તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે.

શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણએ જણાવ્યું હતું કે સમાજના આશરે 10 જેટલા વ્યક્તિઓ કાયમી દાતા તરીકે કેમ્પને સહયોગ આપે છે તેમજ ગામના અનેક દાતાશ્રીઓ પણ સેવા કાર્યમાં યોગદાન આપે છે. તેમણે આંખને શરીરનું સૌથી કિંમતી અંગ ગણાવી ઓપરેશન બાદ પણ દર્દીઓએ ઓછામાં ઓછા 15 દિવસ સુધી આંખોની યોગ્ય સંભાળ રાખવાની અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટની રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલમાં દરરોજ 300થી વધુ ઓપરેશન થાય છે અને ગુજરાતના આશરે 135 શહેરો તથા ગામડાઓમાં આવા નેત્ર નિદાન કેમ્પ યોજાય છે. આવા સેવાકીય પ્રયાસોથી જરૂરિયાતમંદ દર્દીઓને સારવારનો મોટો લાભ મળે છે અને હજારો રૂપિયાનો ખર્ચ બચી શકે છે.

કેમ્પમાં રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ તરફથી ડો. અલ્પેશભાઈ ખેરડીયા તથા **વિજયભાઈ મકવાણા (લેબ ટેક્નિશિયન)**એ સેવા આપી હતી. શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આઈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમ, જગદીશભાઈ પલણ, વિશનજીભાઈ પલણ, ભરતભાઈ પલણ, મેહુલભાઈ દાવડા, અરવિંદભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ અશોકભાઈ જોબનપુત્રાએ, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ. ઠક્કરે કર્યું હતું.

સેવા, સહયોગ અને સંવેદનાનો સુંદર સમન્વય બની રહેલો આ નેત્ર કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનું કિરણ બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande