
વડનગર/અમદાવાદ,17 સપ્ટેમ્બર (હિ.સ.) દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં આજથી બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીની 25 વર્ષની સેવા અને સમર્પણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વડનગર જીએમઇઆરએસ ખાતે પ્રધાનમંત્રીના મોટાભાઇ સોમાભાઈ મોદી અને ભત્રીજા જીતુ મોદીએ કેક કટીંગ કર્યું હતું. સાથે જ મોદીના દીર્ધાર્યું માટે પ્રાર્થના કરવામાં આવી.
વડનગરની જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું આયોજન એમ.વી. એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, મદરોપુર તથા વડનગર શહેર સંગઠન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરી સેવાકીય ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમાભાઈ મોદીએ રક્તદાતાઓને સર્ટિફિકેટ તથા પ્રોત્સાહનરૂપે ગિફ્ટ અર્પણ કરી તેમના સેવાભાવને બિરદાવ્યો હતો.
વડનગરથી આધ્યાત્મિક નગરી વારાણસી સુધી બાઇક સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 250થી વધુ બાઈકર્સ જોડાશે. જે આજે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર બહારના રોડ પર પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લીલી ઝંડી આપી બાઈકર્સને વારાણસી તરફ પ્રસ્થાન કરાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ