
રાજૌરી, નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી પોલીસે 4 દિવસ પહેલાં ધરપકડ કરાયેલા 3 આતંકી મદદગારો, લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું છે. ત્રણેય આરોપીઓ આતંકવાદીઓને આશ્રય આપવા ઉપરાંત, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરતા હતા. તેમના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન એક પિસ્તોલ, મેગેઝિન, ગોળીઓ અને 2 ચાઈનીઝ ગ્રેનેડ પણ મળ્યા.
પોલીસે શુક્રવારે જણાવ્યું કે, પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ત્રણેય ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર ઘણા વર્ષોથી સક્રિય હતા અને તેમના પર જમ્મુ ક્ષેત્રના રાજૌરી-રિયાસીથી દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લા સુધી ઘણા આતંકી જૂથોની અવરજવરમાં મદદ કરવાનો આરોપ છે. રાજૌરીના કોટ ચરવાલ ગામના રહેવાસી મોહમ્મદ આઝમ, ઝાકિર હુસૈન અને મોહમ્મદ મુશ્તાકને 14 સપ્ટેમ્બરના રોજ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા એક લોજિસ્ટિકલ સપોર્ટ મોડ્યુલનો પર્દાફાશ થયા પછી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે, 2023માં રિયાસી જિલ્લાના ચાસાનામાં અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓને મદદ કરવામાં, તેમને આશ્રય આપવામાં અને તેમની અવરજવરમાં સુવિધા પૂરી પાડવામાં તેમની કથિત ભૂમિકા પણ સામે આવી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, તેમની ધરપકડના તરત જ પછી તેમના ગામને અડીને આવેલા જંગલમાંથી તેમના ખુલાસા પરથી એક શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) જપ્ત કરવામાં આવ્યું, જ્યારે ગુરુવારે તેમના કહેવા પર તેમના ઠેકાણેથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને દારૂગોળાની સાથે-સાથે બે ચાઈનીઝ ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા.
પ્રવક્તાએ કહ્યું કે, આતંકવાદીઓની અવરજવરમાં ગાઈડ તરીકે કામ કરવા ઉપરાંત તેઓ તાજેતરમાં રાજૌરી જિલ્લામાં થયેલા ઘણા હાઈ-પ્રોફાઈલ હુમલાઓ સાથે સંકળાયેલા આતંકવાદીઓને જમીની સહાય પૂરી પાડવાના પણ શંકાસ્પદ છે. પ્રવક્તાએ જણાવ્યું કે, હથિયારો અને વિસ્ફોટકો આરોપીને સુરક્ષિત રાખવા અને ભવિષ્યમાં સંભવિત હુમલાઓમાં તેમના ઉપયોગ માટે સોંપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા, વધારાના સહયોગીઓને ઓળખવા અને આરોપી વ્યક્તિની સંડોવણીની સંપૂર્ણ હદ શોધવા માટે તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ