

- G3Q-2026ના સ્પર્ધકો માટે રૂ. 11 કરોડથી વધુના રોકડ પુરસ્કારો તેમજ SFICના સ્પર્ધકો માટે રૂ. 1 કરોડના આકર્ષક ઇનામો
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)’ અને ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ (SFIC)’નો ગાંધીનગર ટાઉન હોલ ખાતેથી ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્ર-રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા, વડાપ્રધાનની છેલ્લા ૨૫ વર્ષની સેવા અને સમર્પણની વિકાસયાત્રા તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા હરણફાળ વિકાસને જન-જન તેમજ યુવા જગત સુધી પહોંચાડવા માટે જ્ઞાન અને ગમ્મત સાથેની અનોખી સ્પર્ધાઓનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ અને સ્પર્ધકોને આ અવસરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળમાં અભ્યાસ અને કારકિર્દી ઘડતર સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો આ ઉત્તમ અવસર છે. વિદ્યાર્થીઓ પોતે સરકારી યોજનાઓની માહિતી મેળવે અને પોતાના પરિવાર, મિત્રો તથા આસપાસના નાગરિકોને જે યોજનાનો લાભ મેળવવા પાત્ર હોય તેનો લાભ અપાવે તે પણ એક મહત્વપૂર્ણ સેવા છે.
તેમણે કહ્યું કે, ઘણી વખત નાગરિકો સરકારી યોજનાઓ વિશે જાણતા હોવા છતાં તેનો લાભ મેળવવાની પ્રક્રિયા કે પાત્રતા અંગે પૂરતી માહિતીના અભાવે લાભથી વંચિત રહી જાય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ‘યોજના દૂત’ બનીને જરૂરિયાતમંદ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડી શકે છે.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં G3Qમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝની પરિકલ્પનામાં જ્ઞાન સાથે શિક્ષણ, સ્પર્ધા અને સરકારી યોજનાઓના લાભો અંગે જાગૃતિનો સમન્વય રહેલો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ અંગે તેમણે જણાવ્યું કે, સમાજ અને વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓના નવીન અને વ્યવહારુ ઉકેલો શોધવા માટે હેકાથોન જેવા પ્રયાસો યુવાનોને પોતાની સર્જનાત્મકતા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તક આપે છે. વિદ્યાર્થીઓ આ પહેલમાં ભાગ લઈને લોકોની સમસ્યાઓના ઉકેલ માટે નવીન વિચારો રજૂ કરી શકે છે.
જ્ઞાન, ટેકનોલોજી અને સેવાના ત્રિવેણી સંગમ થકી વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો રહ્યો છે, તેમ જણાવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર સ્પર્ધાઓ નથી, પરંતુ રાજ્યના યુવાનોની જ્ઞાન શક્તિ, સર્જનાત્મકતા અને ઉત્સાહને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા સાથે જોડવાનો એક સબળ પ્રયાસ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે 'G3Q' ક્વિઝને આધુનિક AI આધારિત લર્નિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે, જે દરેક વિદ્યાર્થીને પર્સનલાઇઝ્ડ અભ્યાસનો વિશેષ અનુભવ પૂરો પાડશે. શાળા, કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના સામાન્ય નાગરિકો માટે પણ આ સ્પર્ધા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાશે. જેમાં વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી આશરે રૂ. ૧૧ કરોડના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. બીજી તરફ, 'સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ' દ્વારા લગભગ ૨૦ હજાર વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર અને ઉદ્યોગોની વાસ્તવિક સમસ્યાઓ સાથે જોડીને તેના નવીન અને પારદર્શક ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી વર્ગખંડનું જ્ઞાન સમાજ ઉપયોગી બની શકે.
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સેવા અને સમર્પણના ૨૫ વર્ષ તથા ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા જનભાગીદારી સાથે આગળ વધવાનો આ મહત્વપૂર્ણ અવસર છે. કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રની સાચી તાકાત તેનું માનવબળ અને યુવાશક્તિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય યુવાનો માત્ર નોકરી શોધનારા નહીં, પરંતુ ‘જોબ ક્રિએટર’ બને તેવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે. આ દિશામાં આયોજિત ક્વિઝ અને હેકાથોન જેવા ઇનોવેટિવ કાર્યક્રમો વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, નવીન વિચારસરણી અને તાર્કિક ક્ષમતાને પ્રોત્સાહન આપશે.
G3Q 2026 શું છે?
‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)’ એ રાજ્યના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ, કૉલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે ખુલ્લી મુકાઈ છે, જે તાલુકા/મહાનગરપાલિકા, જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષા એમ ૩ સ્તરે યોજાશે. કુલ ૮ અઠવાડિયા સુધી ચાલનારી આ ક્વિઝ દર રવિવારથી શુક્રવાર સવારે ૮:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન રમી શકાશે. સ્પર્ધકો માટે રૂ. ૧૧ કરોડથી વધુના રોકડ પુરસ્કારો રાખવામાં આવ્યા છે, જે વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા જ બેંક ખાતામાં આપવામાં આવશે. આ પુરસ્કારોમાં રાજ્યકક્ષાના ઇનામો તરીકે શાળાકક્ષાના પ્રથમ વિજેતાને રૂ. ૧ લાખ અને કૉલેજકક્ષાના પ્રથમ વિજેતાને રૂ. ૩ લાખ એનાયત કરવામાં આવશે. આ ક્વિઝનું રજિસ્ટ્રેશન ૧૮ સપ્ટેમ્બરથી www.G3Q.ai પોર્ટલ પર શરૂ થયું છે અને ક્વિઝ સ્પર્ધા ૨૦ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.
આ સાથે જ યુવા સંકલ્પને બળ આપવા શરૂ કરાયેલી ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ (SFIC)’ અંતર્ગત ‘એક સમસ્યા, એક વિચાર, એક ક્રાંતિકારી ઉકેલ’ના મંત્ર સાથે સરકારી વિભાગો, મહાનગરપાલિકાઓ અને ઉદ્યોગોની વાસ્તવિક સમસ્યાઓના ટેક્નોલોજીકલ નિવારણ લાવવા યુવાનોને આહ્વાન કરવામાં આવ્યું છે. જેમાં સહભાગી ટીમો પ્રોટોટાઇપ બનાવી ટોચના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી શકશે, અને શ્રેષ્ઠ ઇનોવેશન રજૂ કરનારાઓ માટે રૂ. ૧ કરોડના આકર્ષક ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના યુવાનો https://sfic.co.in/ પોર્ટલ પર જઈને આ ચેલેન્જ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ