

મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામમાં આવેલી શ્રી પ્રગતિ યુવક મંડળ સંચાલિત જાગૃતિ વિદ્યાલયમાં શિક્ષકો દ્વારા શરૂ કરાયેલા એક્સ્ટ્રા ક્લાસીસ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બની રહ્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિયમિત શાળાના સમય પહેલાં સવારે 10 વાગ્યાથી વધારાના વર્ગો લેવામાં આવે છે. જેમાં અભ્યાસક્રમનું પુનરાવર્તન, પેપર સોલ્યુશન, પ્રશ્નોની પ્રેક્ટિસ અને વિદ્યાર્થીઓની ભૂલો સુધારવા પર ભાર મૂકવામાં આવે છે.
શાળામાં ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરાવવામાં આવે છે અને આસપાસના 7 ગામોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશનનો ખર્ચ ન કરવો પડે તે હેતુથી શાળામાં જ વધારાનું માર્ગદર્શન આપવામાં આવે છે. શાળાનો નિયમિત સમય સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધીનો છે, પરંતુ શિક્ષકો વિદ્યાર્થીઓ માટે એક કલાક વહેલા શાળામાં પહોંચે છે.
શાળાના આચાર્ય અશોકકુમાર પટેલ છેલ્લા 19 વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, શિક્ષકોના સહયોગથી શરૂ કરાયેલા એક્સ્ટ્રા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવે છે.
જાગૃતિ વિદ્યાલયનું ધોરણ 10નું છેલ્લા 3 વર્ષથી અને ધોરણ 12નું છેલ્લા 5 વર્ષથી બોર્ડ પરિણામ 100 ટકા રહ્યું છે. માર્ચ 2024માં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ 50 ટકાથી વધુ ગુણ સાથે પાસ થયા હતા. આ સિદ્ધિ બદલ શાળાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR