
અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરમાં સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ સેવા પર વિપરીત અસર પડી છે.
ખરાબ હવામાનને લીધે કોલકાતાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની એક ફ્લાઈટને ઈન્દોર ડાયવર્ટ કરવી પડી હતી. આ ઉપરાંત, એરપોર્ટ પર આવતી-જતી અન્ય ચાર ફ્લાઈટ્સ પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી, જેમાં ત્રણ અરાઈવલ અને એક ડિપાર્ચર ફ્લાઈટનો સમાવેશ થાય છે.
કોલકાતાથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 245) સવારે 8:40ના બદલે 10:58 વાગ્યે ટર્મિનલ-1 પર લેન્ડ થઈ હતી.નવી દિલ્હીથી આવતી ઈન્ડિગોની બે ફ્લાઈટ્સ (6E 907 અને 6E 2331) પણ અનુક્રમે સવારે 11:54 વાગ્યે અને બપોરે 2:36 વાગ્યે પહોંચી હતી.અમદાવાદથી નવી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 5072) બપોરે 2:35ના બદલે 3:20 વાગ્યે ટર્મિનલ-1 ના ગેટ નંબર 3 પરથી ટેકઓફ થઈ.
હવામાનની પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ તંત્ર દ્વારા મુસાફરોને અગવડતાથી બચવા માટે એરપોર્ટ પહોંચતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી પોતાની ફ્લાઈટનું લાઈવ સ્ટેટસ ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ