અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનમાં આંતરિક અસંતોષ અને જૂથવાદ,પ્રમુખ સોનલબેન સામે વોર્ડ પ્રમુખો અને કાર્યકરોમાં રોષ
- 15 જેટલા વોર્ડ પ્રમુખોની હકાલપટ્ટીની તૈયારીથી સંગઠનમાં બળવો - મનપામાં હજી વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર નહીં કરી શક્યા અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત કોંગ્રેસમાં હજી બનાસકાંઠા જિલ્લા હોદ્દેદારોની નિમણૂક પ્રદેશ પ્રમુખ દ્વારા રદ કરવામાં
congress president Sonaળ patel


- 15 જેટલા વોર્ડ પ્રમુખોની હકાલપટ્ટીની તૈયારીથી સંગઠનમાં બળવો

- મનપામાં હજી વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર નહીં કરી શક્યા

અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત કોંગ્રેસમાં હજી બનાસકાંઠા જિલ્લા હોદ્દેદારોની નિમણૂક પ્રદેશ પ્રમુખ દ્વારા રદ કરવામાં આવી તેનો વિવાદ સંયો નથી ત્યાં અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનમાં આંતરિક અસંતોષ અને જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સામે પાયાના કાર્યકરો અને વોર્ડ પ્રમુખોએ ખુલ્લો મોરચો માંડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર હેઠળ આવતા 15 થી 16 જેટલા વોર્ડ પ્રમુખોને કોઈપણ યોગ્ય કારણ વગર પદ પરથી હટાવવાની હિલચાલ શરૂ થતાં કાર્યકરોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

આ ઉપરાંત સ્કૂલ બોર્ડમાં કાર્યકરને પ્રતિનિધિત્વ આપવાને બદલે શહેર પ્રમુખ પોતે સભ્ય બની જતાં અને પ્રમુખ બન્યા બાદ એકપણ જ્વલંત લોકઆંદોલન કે કાર્યક્રમ આપવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવી સંગઠન બદલવાની માંગ બુલંદ બની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામો બાદ પક્ષનું પ્રદર્શન નબળું હોવાનું ઠરાવી 5 વોર્ડ પ્રમુખોને કોઈપણ ખુલાસો કે નોટિસ આપ્યા વિના પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે નવરંગપુરા, જોધપુર, મક્તમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડમાં જૂના પ્રમુખોને હટાવ્યા બાદ આજદિન સુધી નવા પ્રમુખોની વરણી પણ થઈ શકી નથી. હવે ફરી અન્ય 15 થી 16 સક્રિય વોર્ડ પ્રમુખોને હટાવવાની તજવીજ શરૂ થતાં કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પ્રમુખોને જ હટાવવા હોય તો શહેર કક્ષાના શીર્ષ નેતૃત્વની જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી?

વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારોને ટિકિટ મળ્યા બાદ પણ ફોર્મ પરત ખેંચી લેવા જેવી શરમજનક સ્થિતિ સર્જાઈ હતી, જેની નૈતિક જવાબદારી શહેર પ્રમુખ સ્વીકારવાના બદલે પાયાના હોદ્દેદારો પર ઢોળી રહ્યા છે.

કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે પ્રમુખ તરીકે સોનલબેન પટેલની નિમણૂક બાદ પક્ષનો એકપણ મોટો અસરકારક કાર્યક્રમ જોવા મળ્યો નથી. કાર્યક્રમો માત્ર પૂર્વ અમદાવાદના ગણ્યા-ગાંઠ્યા વિસ્તારો પૂરતા સીમિત રહે છે અને કોઈ નવો યુવા ચહેરો પક્ષ સાથે જોડાતો નથી, જેના લીધે કાર્યકરોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

સંગઠનના અન્ય હોદ્દેદારોએ જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (સ્કૂલ બોર્ડ) માં કોંગ્રેસ પક્ષ તરફથી એક સભ્ય મોકલવાનો હતો ત્યારે કોઈ પાયાના સક્રિય કાર્યકરને તક આપવાના બદલે શહેર પ્રમુખે પોતાનું નામ આગળ ધરી સભ્યપદ મેળવી લીધું હતું. પ્રમુખની ભૂલો કે ખામીઓ દર્શાવનારા કાર્યકરો સામે બદલાલક્ષી કાર્યવાહી કરવામાં આવે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં જો કોંગ્રેસને જીવંત રાખવી હોય તો શહેર પ્રમુખ અને સમગ્ર સંગઠનમાં તાત્કાલિક ધરખમ ફેરફારો કરવા અનિવાર્ય હોવાનો સૂર પક્ષના પાયાના કાર્યકરોમાં ઉઠ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande