
વલસાડ,18 સપ્ટેમ્બર (હિ.સ.) વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત કપરાડા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી એક ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં દારૂ તથા વાહન સહિત કુલ રૂ. 9.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, કપરાડા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિતીનભાઈ ખેંગારભાઈને મળેલી બાતમીના આધારે રોહીયાળ તલાટથી મનાલા તરફ આવતા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સફેદ રંગની ઇનોવા ક્રિસ્ટા કાર નંબર DN-09-L-2442 શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
કારની પાછળની સીટના ભાગે કાળા કપડાથી ઢાંકીને છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વ્હિસ્કી, બીયર અને વોડકાની બોટલ તથા ટીન મળી કુલ 2,195 નંગ, કુલ 636.140 લીટર જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 4,93,004 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઉપરાંત પોલીસે રૂ. 5 લાખની ઇનોવા ક્રિસ્ટા કાર પણ કબજે કરી છે. આમ, દારૂ અને વાહન સહિત કુલ રૂ. 9,93,004નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે કપરાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન દારૂની હેરાફેરીમાં સંડોવણી અંગે સુરેશ ઉર્ફે સુર્યો ગધેડો કનુભાઈ હળપતિ, રહે. દોરી કડૈયા, દમણ અને કલ્પેશ હળપતિ, રહે. દમણ સહિત ઇનોવા ક્રિસ્ટા કારના અજાણ્યા ચાલક તથા કારમાં બાજુની સીટ પર બેઠેલા અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દારૂના જથ્થાની હેરાફેરી દરમિયાન GJ-26 નંબરની નેક્સોન કાર દ્વારા પાયલોટિંગ કરનાર વ્યક્તિની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને કપરાડા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વાંઝા, એ.હે.કો. આશિષભાઈ અર્જુનભાઈ, એ.હે.કો. જીજ્ઞેશભાઈ પ્રભુભાઈ તથા આ.પો.કો. નિતીનભાઈ ખેંગારભાઈ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha