
વલસાડ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વાપી શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઇલ ફોન સ્નેચિંગના બનાવોને અંજામ આપતા બે આરોપીઓને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરાયેલા 6 મોબાઇલ ફોન સહિત કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
વલસાડ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન LCBના પેટ્રોલ-ફર્લો સ્કવોડના ASI અલ્લારખુ અમીરભાઈને મળેલી બાતમીના આધારે ટીમે વાપી વિસ્તારમાં કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે કૃણાલ ઉર્ફે કુનુ જયેશભાઈ હળપતિ (21), રહે. વાપી ટાંકી ફળિયા તથા આદર્શ ઉર્ફે ડેની રાજેશભાઈ મિશ્રા (22), રહે. વાપી ચણોદ, મૂળ મધુબની, બિહારને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બંને આરોપીઓ પાસેથી GJ-15-DM-1769 નંબરની મરૂન કલરની એક્ટિવા મોપેડ, ડિક્કીમાંથી અલગ-અલગ કંપનીના 6 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તેમજ અંગઝડતીમાંથી વધુ 2 મોબાઇલ ફોન મળી કુલ 8 મોબાઇલ ફોન અને વાહન સહિત ₹1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ સાથે મળી એક્ટિવા મોપેડ પર વાપીના અલગ-અલગ વિસ્તારોમાં ફરી રસ્તા પર જતા રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન ખેંચી ફરાર થતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આરોપીઓ અને કબજે કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha