
પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ ડીનની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં યુનિવર્સિટીના નવા કાયદા મુજબ ચાર નવા ઓર્ડિનન્સને મંજૂરી આપવામાં આવી હતી. નવા કાયદા અનુસાર હજુ કેટલાક ઓર્ડિનન્સ તૈયાર કરવાની કામગીરી બાકી છે.
બેઠકમાં યુનિવર્સિટીની વિવિધ સમિતિઓની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) સમિતિમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની બે જગ્યાઓ ભરવાની છે. આ માટે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવા જરૂરી ફોર્મ તૈયાર કરવાની કાર્યવાહીને મંજૂરી અપાઈ હતી.
વિદ્યાર્થીઓને કયા માધ્યમમાં શિક્ષણ આપવું તે અંગેના ઓર્ડિનન્સ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પીએચડી પ્રવેશ પરીક્ષા અને તેના નિયમો તૈયાર કરવા માટેના ઓર્ડિનન્સ બનાવવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા અધ્યાપકોને પીએચડી ગાઈડશીપ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં 5થી 7 નવા ગાઈડને મંજૂરી આપવામાં આવી છે.
પીએચડી પ્રવેશ પરીક્ષા ટૂંક સમયમાં યોજાય તે માટેનું આયોજન પણ બેઠકમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને બોર્ડ ઓફ ડીનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ