મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાયેલ સોમનાથ પ્રસાદના ઈકો-ફ્રેન્ડલી અને રિયુઝેબલ પેકેજિંગ સુંદરતા અને પર્યાવરણ રક્ષણનો સંયુક્ત અભિગમ
- સોમનાથ ટ્રસ્ટ, NID, અને GPCB ના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયા વિશેષ બોક્સ ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના રક્ષણ અને શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એક સરાહનીય અને નવીન પહેલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ
સોમનાથ પ્રસાદના ઈકો-ફ્રેન્ડલી અને રિયુઝેબલ પેકેજિંગ


- સોમનાથ ટ્રસ્ટ, NID, અને GPCB ના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયા વિશેષ બોક્સ

ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના રક્ષણ અને શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એક સરાહનીય અને નવીન પહેલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સંયુક્ત સહયોગથી સોમનાથ મહાદેવના પ્રસાદ માટે વિશેષ ઈકો-ફ્રેન્ડલી અને રિયુઝેબલ પેકિંગ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું અનાવરણ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાહેબના હસ્તે તા.17/09/2026 ના રોજ ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિનના અવસરે કરવામાં આવ્યું હતું. આ વિશેષ પેકેજીસ ટૂંક સમયમાં શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે.

જાણો વિશેષતા:

૧. પેકેજિંગ ડિઝાઇન અને માળખું:

આ નવા પેકેજિંગમાં પર્યાવરણલક્ષી સામગ્રી અને આકર્ષક ડિઝાઇનનો સમન્વય કરવામાં આવ્યો છે. મુખ્યત્વે બે પ્રકારના બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે.

કાર્ડબોર્ડ બોક્સ: ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્ડબોર્ડમાંથી આકર્ષક હેક્ઝાગોનલ આકારનું બોક્સ બનાવવામાં આવ્યું છે, જે મજબૂત અને પર્યાવરણને અનુકૂળ છે.

મેટલ બોક્સ: પ્રીમિયમ લુક અને લાંબા સમયની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે સર્ક્યુલર આકારમાં મેટલ બોક્સની રચના કરવામાં આવી છે.

૨. પ્રસાદની સુરક્ષા અને શેલ્ફ લાઇફ

પ્રસાદની શુદ્ધતા અને તાજગી જાળવી રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે:

ઇન્ડિવિડ્યુઅલ પેકિંગ: બોક્સની અંદર આવતા મગસના લાડુને ખુલ્લા રાખવાના બદલે દરેક લાડુનું વ્યક્તિગત (ઇન્ડિવિડ્યુઅલ) પેકિંગ કરવામાં આવશે.

શેલ્ફ લાઇફમાં વધારો: હવા અને ભેજથી સુરક્ષિત રહેવાને કારણે મગસના લાડુ લાંબા સમય સુધી તાજા રહેશે અને પ્રસાદ બગડવાની શક્યતાઓ નહિવત્ થઈ જશે.

૩. પ્રોજેક્ટના મુખ્ય ફાયદાઓ અને ઉદ્દેશ્યો

આ નવીન પેકેજિંગથી શ્રદ્ધાળુઓ અને પર્યાવરણ બંનેને અનેક લાભ થશે:

પર્યાવરણનું જતન: પેકેજિંગને એવી રીતે ડિઝાઇન અને પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે તેનું સરળતાથી રિસાયકલિંગ થઈ શકે અને પ્લાસ્ટિક કે અન્ય પ્રદૂષણ ફેલાવતા કચરામાં ઘટાડો થાય.

પુનઃ ઉપયોગ: શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ આકર્ષક બોક્સનો ફેંકી દેવાના બદલે ઘરમાં અન્ય નાની વસ્તુઓ રાખવા માટે કે ભગવાનની પ્રસાદીના સ્મૃતિ ચિહ્ન તરીકે પુનઃ ઉપયોગ કરી શકશે.

સંસ્થાકીય સહયોગ: NID ની ઉત્તમ ડિઝાઇન અને GPCB ના પર્યાવરણલક્ષી ધારાધોરણોનો અદભુત સમન્વય આ પ્રોજેક્ટમાં જોવા મળે છે.

સોમનાથ ટ્રસ્ટની આ પહેલ માત્ર ધાર્મિક આસ્થાને જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય જવાબદારીને પણ ઉજાગર કરે છે. આ ઈકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ એક અનુકરણીય અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande