



પોરબંદર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) જન્માષ્ટમીના
પાવન પર્વ અને તહેવારોની મોસમમાં જ્યારે આખું પોરબંદર ઉત્સવના રંગે રંગાયું છે, ત્યારે આપણી સ્થાનિક મહિલાઓના સ્વપ્નો
અને તેમની અથાક મહેનતને પાંખો આપવા માટે એક વિશેષ આયોજન થવા જઈ રહ્યું છે. તા.3
સપ્ટેમ્બરના રોજ બપોરે 4 કલાકે હોટલ ઓશિયાનિક, ચોપાટી મેદાન પાસે ‘શ્રાવણ ઉત્સવ’
મેળાનો અતિ ઉત્સાહભેર પ્રારંભ થશે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) અને રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) ના સુંદર પ્રયાસોથી યોજાઈ રહેલા આ
મેળામાં સખીમંડળની બહેનો પોતાના હુન્નરનો જાદુ પથરાવશે.
3
થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ
પાંચદિવસીય મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલી મહિલા કારીગરો દ્વારા આશરે 50 જેટલા
આકર્ષક સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં મુલાકાતીઓને બહેનોના સ્નેહ અને કળાથી
સજ્જ પરંપરાગત હસ્તકલા, ભરત-ગૂંથણ, એમ્બ્રોઇડરી વર્ક, મોતીકામ, હાથ બનાવટના સુંદર તોરણો, રૂમાલ, ઘર સુશોભનની વિવિધ ચીજવસ્તુઓ, લાકડામાંથી બનાવેલી ઉપયોગી સામગ્રી, સાબુ, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટનો અદ્ભુત ખજાનો એક જ સ્થળેથી મળી રહેશે.
આ તમામ પ્રોડક્ટ્સ માત્ર ઘરવપરાશની વસ્તુઓ નથી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને બહેનોના કૌશલ્યની સુંદર ઝાંખી છે.
સામાન્ય
બજારમાંથી કરવામાં આવતી ખરીદી માત્ર એક સોદો હોય છે, પરંતુ જ્યારે તમે આ સખીમંડળની બહેનો પાસેથી ખરીદી કરો છો, ત્યારે તમે તેમની મહેનતનો સ્વીકાર કરો
છો અને તેમના પરિવારની આજીવિકાનો મજબૂત આધાર બનો છો. બહેનો પોતાના મહેનતુ હાથોથી
કળાને વ્યવસાયમાં બદલીને ‘મહિલા સશક્તિકરણથી આત્મનિર્ભરતા’ના સંકલ્પને સાકાર કરી
રહી છે. તમારી એક નાની ખરીદી પણ કોઈ બહેનના ઘરમાં આર્થિક રોશની અને આત્મવિશ્વાસ
લાવવાનું નિમિત્ત બનશે.
આ
આત્મનિર્ભરતાના યજ્ઞમાં સહભાગી બનવા પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા
સરવૈયાએ તમામ નાગરિકોને લાગણીસભર અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને અને
પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી શકે તે હેતુથી પોરબંદર ચોપાટી ખાતે 'શ્રાવણ ઉત્સવ 2026 'નું આયોજન કરવામાં આવ્યું છે. આ
ઉત્સવમાં 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં બહેનોને તમામ માળખાકીય સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં
આવી છે. તેમણે નગરજનોને આ મેળાની મુલાકાત લઈ બહેનોની ચીજવસ્તુઓ ખરીદીને તેમને
પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya