
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, ગુરુવારે એશિયન ગેમ્સમાં ભારતીય વિજેતાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, એશિયન ગેમ્સ 2026માં વુશુની મહિલાઓની 60 કિગ્રા સાન્ડા સ્પર્ધામાં રજત પદક જીતવા બદલ રોશિબિના દેવી નાઓરેમ, પુરુષોની ડબલ સ્કલ્સ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતવા બદલ સતનામ સિંહ અને સલમાન ખાન અને કાંસ્ય પદક જીતવા બદલ ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સતત ત્રણ એશિયન ગેમ્સમાં ત્રણ પદક જીતવા એ ભારતીય વુશુ માટે એક શાનદાર સિદ્ધિ અને ઐતિહાસિક સીમાચિહ્ન છે. તમારી પ્રેરણાદાયક યાત્રામાં આવા જ વધુ ગર્વના પળો આવતા રહે. જ્યારે, સતનામ સિંહ અને સલમાન ખાનનું પ્રદર્શન ટીમવર્ક, સહનશક્તિ અને પ્રતિબદ્ધતાની એ મજબૂતી દર્શાવે છે, જેની રોઇંગમાં જરૂર હોય છે. તમે બંને ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ હાંસલ કરો. આ પ્રશંસનીય સિદ્ધિ પુરુષ બેડમિન્ટન ટીમના દ્રઢ સંકલ્પ, સહનશક્તિ અને લડાયક જુસ્સાને દર્શાવે છે. આ ગૌરવપૂર્ણ સફળતામાં ટીમના દરેક સભ્યએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભવિષ્યના પ્રયાસો માટે આખી ટીમને શુભેચ્છાઓ.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સતનામ અને સલમાનનું વિજેતા મંચ સુધી પહોંચવું તેમનું ઉત્તમ ટીમવર્ક અને સહનશક્તિ દર્શાવે છે, જ્યારે રોશિબિનાનું સતત ત્રીજો એશિયન ગેમ્સ પદક જીતવું, ભારતીય વુશુ માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આશા છે કે તેઓ દેશ માટે આગળ પણ ગર્વના ઘણા વધુ પળો લઈને આવશે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, રોશિબિના દેવીની આ સિદ્ધિ ભારત માટે અત્યંત ગર્વની ક્ષણ છે અને એશિયન મંચ પર તેમના સમર્પણ, દ્રઢ સંકલ્પ અને નિરંતરતાનો પુરાવો છે. જ્યારે પુરુષોની ડબલ સ્કલ્સ રોઇંગ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતનાર સતનામ અને સલમાનની જોડીએ ઉત્તમ તાલમેલ, તાકાત, લય તથા દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કરતા વિજેતા મંચ પર સ્થાન બનાવ્યું અને ભારતના પદક સૂચિમાં એક વધુ પદક ઉમેર્યો. આ શાનદાર સિદ્ધિ માટે સતનામ અને સલમાનને અભિનંદન! તેઓ આ જ રીતે પ્રેરણા આપતા રહે અને ભારતનું ગૌરવ વધારતા રહે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નાઓરેમ રોશિબિના દેવી સતત ત્રણ એશિયન ગેમ્સમાં પદક જીતનાર પ્રથમ ભારતીય વુશુ એથ્લેટ બની ગયા છે, જે તેમના સતત સારા પ્રદર્શન અને દ્રઢ સંકલ્પનું એક શાનદાર ઉદાહરણ છે. તેમનું પ્રદર્શન ભારતીય એથ્લેટ્સની નવી પેઢીને ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ