સેવા કરતા કરતા જ સેવાનો સંદેશ આપો, ઉપદેશ નહીં : મોદી
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, સેવા જ મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ અને સેવાનો સંદેશ, ઉપદેશ આપીને નહીં પરંતુ પોતાના આચરણ અને કામ દ્વારા આપવો જોઈએ. તેમણે સેવા સંકલ્પ યાત્રામાં સામેલ યુવાનોને કહ્યું કે, ર
વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરતા પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, સેવા જ મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ અને સેવાનો સંદેશ, ઉપદેશ આપીને નહીં પરંતુ પોતાના આચરણ અને કામ દ્વારા આપવો જોઈએ. તેમણે સેવા સંકલ્પ યાત્રામાં સામેલ યુવાનોને કહ્યું કે, રાજકારણમાં ગમે તેટલી મોટી સત્તા કે ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય, તેમનો માર્ગ સેવાનો જ રહેવો જોઈએ અને તેઓ ક્યારેય સેવાના માર્ગથી વિચલિત ન થાય.

પ્રધાનમંત્રીએ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી જઈ રહેલા સેવા યાત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ દરમિયાન કહ્યું, “સેવા કરતા કરતા સેવાનો સંદેશ આપવાનો છે, સેવાનો ઉપદેશ આપવાનો નથી. આપણે સેવા કરી કરીને જ સેવાનો સંદેશ આપીશું.” તેમણે કહ્યું કે, લોકોને તેમના આચરણથી દેખાવું જોઈએ કે, સત્તા ગમે તેટલી મોટી કેમ ન થઈ જાય, સેવા જ તેમનો માર્ગ રહેશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વડનગર અને વારાણસી બે પ્રાચીન અને જીવંત શહેરો છે. એક તેમની જન્મભૂમિ છે અને બીજી કર્મભૂમિ. આ બંને શહેરો વચ્ચે સેવાનું આ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત 20 ટુકડીઓ 10 રાજ્યોના 193 જિલ્લાઓ, 773 તાલુકાઓ અને 10,159 ગામોમાંથી પસાર થઈ રહી છે. યાત્રાની કુલ લંબાઈ આશરે 35,576 કિલોમીટર છે અને તેમાં 380 રાત્રિ રોકાણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, યાત્રા દરમિયાન ગ્રામ સભાઓ, લાભાર્થીઓ અને સામાન્ય નાગરિકો સાથે સંવાદ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં યાત્રા અને સેવા બંને સામાજિક સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા છે. આવી યાત્રાઓ કરુણા, નમ્રતા, ટીમવર્ક અને અનુશાસન શીખવે છે તથા સમાજ સાથે જોડાવાની તક આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજકારણ અને ચૂંટણીઓ પોતાની જગ્યાએ છે તથા શાસન વ્યવસ્થા પોતાની જગ્યાએ, પરંતુ સેવા યાત્રીઓ રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાશક્તિની મોટી ભૂમિકા હશે અને યુવાનોને દેશના વિવિધ ક્ષેત્રો, સામાજિક વર્ગો અને લોકોની આકાંક્ષાઓને જમીન પર જઈને સમજવી જરૂરી છે.

તેમણે કહ્યું કે, યાત્રા યુવાનોને કરુણા, નમ્રતા, ટીમવર્ક અને અનુશાસન શીખવાનો અવસર આપે છે. તેમણે યાત્રીઓને પોતાના અનુભવો નોંધવા તથા યાત્રા દરમિયાન મળેલા લોકો, તેમના અનુભવો અને સ્થાનિક સ્તરે જોવા મળેલા સારા કાર્યોનો દસ્તાવેજ તૈયાર કરવા જણાવ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે શાસનના મૂળમાં સેવાનો ભાવ હોય છે ત્યારે નીતિઓના કેન્દ્રમાં નાગરિકો હોય છે. તેમણે ગરીબોને મફત અનાજ, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા, પીએમ કિસાન અને પીએમ સૂર્ય ઘર જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સેવાભાવ જ આ યોજનાઓની અંતિમ છેડા સુધી પહોંચ સુનિશ્ચિત કરવાની પ્રેરણા છે. તેમણે કહ્યું, “સેવા પરમો ધર્મઃ, સેવા જ સૌથી મોટો ધર્મ છે. નર સેવા નારાયણ સેવા, અર્થાત માનવની સેવા જ ઈશ્વરની સેવા છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગામડાઓ, ખેડૂતો અને સ્થાનિક સમુદાયો પાસે જ્ઞાન અને અનુભવનો સમૃદ્ધ ભંડાર છે. એક ગામનો સારો પ્રયોગ બીજા ગામના કામ આવી શકે છે અને એક ક્ષેત્રનો અનુભવ સમગ્ર દેશની શક્તિ બની શકે છે. તેમણે કહ્યું કે, યાત્રા દરમિયાન દેશની વિવિધતામાં એકતાને સમજવાનો અને તેને બીજા ક્ષેત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ થવો જોઈએ.

મોદીએ કહ્યું કે, સેવા યાત્રીઓની મહેનત અને અનુભવ વિકસિત ભારતના નિર્માણની યાત્રાને ગતિ આપશે. પ્રધાનમંત્રીએ યાત્રીઓની યાત્રા નિર્વિઘ્ન રહે તેવી કામના કરતા કહ્યું કે તેમણે અત્યાર સુધી જે રીતે કામ કર્યું છે, તે જ ઊર્જા સાથે આગળ વધતા રહે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande