
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). પંજાબમાં ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નશા મુક્ત પંજાબ’ અભિયાનનું સમાપન, 30 સપ્ટેમ્બરના રોજ જલંધરમાં થશે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભાને સંબોધિત કરશે. અભિયાન અંતર્ગત રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી નીકળી રહેલી ચાર નશા વિરોધી યાત્રાઓ પણ આ જ દિવસે જલંધરમાં પહોંચીને એકસાથે સમાપ્ત થશે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરના રોજ ચારેય યાત્રાઓ જલંધર પહોંચ્યા પછી સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ પછી અમિત શાહ વિશાળ જનસભાને સંબોધિત કરશે. જલંધર-ફગવાડા હાઈ-વે નજીક રેલી માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે અને સંગઠનની સ્થાનિક એકમે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, 18 સપ્ટેમ્બરના રોજ પઠાણકોટના માધોપુરથી ચાર અલગ-અલગ માર્ગો પરથી ‘નશા મુક્ત પંજાબ યાત્રાઓ’ શરૂ કરી હતી. આ યાત્રાઓ કુલ 13 દિવસ સુધી ચાલશે. આ યાત્રાઓને રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો સુધી પહોંચાડવાની યોજના છે. ચારેય યાત્રાઓ મળીને લગભગ 4,000 કિલોમીટરનું અંતર કાપી રહી છે.
પ્રથમ યાત્રાની શરૂઆત પઠાણકોટના માધોપુરમાં આવેલા એકતા સ્થળથી થઈ હતી. અન્ય યાત્રાઓ ફતેહગઢ સાહિબ, ફાઝિલ્કા અને તલવંડી સાબોથી શરૂ કરવામાં આવી હતી. અભિયાનનો ઉદ્દેશ્ય નશા વિરુદ્ધ જાગૃતિ વધારવાનો અને આ મુદ્દે વ્યાપક જનભાગીદારી તૈયાર કરવાનો જણાવવામાં આવ્યો છે.
આ કાર્યક્રમને અભિયાનના અંતિમ તબક્કા તરીકે જોવામાં આવી રહ્યો છે. જ્યારે, 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા નશાનો મુદ્દો રાજ્યની રાજનીતિમાં મુખ્ય મુદ્દો બન્યો છે. ભાજપે આ અભિયાનને નશા વિરુદ્ધ સામાજિક જાગૃતિ સાથે જોડીને રાજ્યવ્યાપી સ્તરે ચલાવ્યું છે. પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે, નશાની સમસ્યાનો સામનો કરવા માટે ફક્ત કાયદો અને વ્યવસ્થાની કાર્યવાહી પર્યાપ્ત નથી, પરંતુ જાગૃતિ, ઉપચાર, પુનર્વસન અને યુવાનો માટે શિક્ષણ તેમજ રોજગારની તકો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ