
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના આરોગ્ય, પોષણ અને કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે બાળકોને મળતી પૂરક પોષણ સુવિધા તેમજ સર્વાંગી વિકાસ માટેની સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.
ધારાસભ્યએ આંગણવાડી કાર્યકર બહેનો અને આશા કાર્યકરો સાથે પણ વાતચીત કરી સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો જાણી હતી. ત્યારબાદ ગામમાં યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પની મુલાકાત લઈ ગ્રામજનોને મળતી આરોગ્ય સેવાઓ અંગે પૂછપરછ કરી હતી. ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓ પાસેથી કેમ્પની કામગીરીની માહિતી પણ મેળવી હતી.
કાર્યક્રમમાં મુકેશ ચૌધરી, વિષ્ણુ પટેલ, રંજનબેન, ભાનુમતિ મકવાણા, જગદીશ પટેલ, વિક્રમસિંહ ઠાકોર સહિત આગેવાનો, આરોગ્ય સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ